દિવાળી સુધીમાં કામ પૂરું નહીં થાય તો તારી કિડની કાઢી લઈશ

25 October, 2021 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણમાં જિમના માલિકની આવી દાદાગીરી અને ધમકીથી કંટાળીને ફર્નિચરનું કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરે જિમમાં જ કરી લીધી આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણમાં કોલસેવાડી વિસ્તારમાં આવેલા એક જિમના માલિકની દાદાગીરી અને ધમકીથી કંટાળી ફર્નિચરના એક કૉન્ટ્રૅક્ટરે જિમમાં જ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી કેટલાક સામાજિક નાગરિકોએ આત્મહત્યા માટે જવાબદાર જિમના માલિક પર કડક કાર્યવાહી કરવા માટેના પત્રો પોલીસને આપીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

કલ્યાણ-ઈસ્ટમાં તીસગાવ વિસ્તારમાં આરોપી વૈભવ પરબ ફિટનેસ એમ્પાયર નામનું જિમ ખોલવા માગતો હતો હતો. એમાં ફર્નિચરના કામ માટે કૉન્ટ્રૅક્ટર શોધી રહ્યો હતો. એ દરમ્યાન તેની મુલાકાત પૂનમરામ ચૌધરી સાથે થઈ હતી. પૂમનરાજે જિમનું કામ ત્રણ મજૂરો સાથે શરૂ કર્યું હતું. એક-બે દિવસ જતાં જિમના માલિક વૈભવે પૂનમરાજ પર દબાણ કરીને કામ જલદી પતાવવા કહ્યું હતું. બે દિવસ પહેલાં આરોપીએ જિમમાં રાતના સમયે ત્રણ મજૂરોને બંધ કરી તેમને ખાવા-પીવા નહોતું આપ્યું. એ જોઈને બીજા દિવસે ત્રણ મજૂરો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે આરોપીએ પૂનમરાજને ધમકી આપી હતી કે જો દિવાળી સુધીમાં કામ પૂરું નહીં થાય તો તારી કિડની કાઢી લઈશ અને મેં ઍડ્વાન્સ તરીકે આપેલા પૈસા વસૂલ કરીશ. એ વાતથી ગભરાઈને પૂનમરાજે શનિવાર રાતના જિમમાં જ આત્મહત્યા કરી હતી.

કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બશીર શેખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના પછી અમે આરોપી જિમના માલિકની ધરપકડ કરી છે. તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news kalyan