કલ્યાણ-ડોમ્બિવલીના ઓમાઇક્રોન પૉઝિટિવ યુવાનને છે સૌમ્ય લક્ષણ

05 December, 2021 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૩ વર્ષના યુવકે વૅક્સિનના ડોઝ નથી લીધા. જોકે, તે પરિવાર સહિત જે લોકોના સંપર્કમાં આવ્યો હતો એ તમામ લોકોની કોવિડ ટેસ્ટ નેગેટિવ આવી

ફાઈલ તસવીર

કલ્યાણ-ડોમ્બિવલીમાં ૨૪ નવેમ્બરે સાઉથ આફ્રિકાના કેપટાઉનથી મુંબઈ આવેલા ૩૩ વર્ષના યુવકની કોવિડ ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેનો ઓમાઇક્રોન વેરિઅન્ટનો રિપોર્ટ પણ ગઈ કાલે પૉઝિટિવ આવ્યો હતો, જેને પગલે કર્ણાટક, ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં ઓમાઇક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. આ યુવકે કોવિડ-19 વૅક્સિનના ડોઝ ન લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ ૨૦૨૧ની ૨૪ નવેમ્બરે સાઉથ આફ્રિકાના કેપટાઉનથી વાયા દુબઈ અને દિલ્હી ૩૩ વર્ષનો યુવક મુંબઈ પહોંચ્યો હતો. આ યુવક અને તે જે ૧૨ હાઈ રિસ્ક અને ૨૩ લો રિસ્ક લોકોના સંપર્કમાં આવ્યો હતો તેમને ટ્રેસ કરીને કોવિડ ટેસ્ટ કરાઈ હતી. બધાની ટેસ્ટ નેગેટિવ આવી હતી, જ્યારે આ યુવકના બ્લડનું સૅમ્પલ જિનોમ સીક્વન્સિંગ માટે મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. ગઈ કાલે મોડી સાંજે આ યુવકને ઓમાયક્રોન વાઇરસનું સંક્રમણ થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
૨૪ નવેમ્બરે આ યુવક મુંબઈ પહોંચ્યો હતો ત્યારે તેને તાવ આવતો હતો એટલે તેની કોવિડ ટેસ્ટ કરાતાં તે પૉઝિટિવ આવતાં તેની કલ્યાણ-ડોમ્બિવલીમાં આવેલા કોવિડ સેન્ટરમાં સારવાર ચાલુ છે. જોકે, આ યુવકને સૌમ્ય લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકના ભાઈ સહિત ૮ પરિવારજનોની કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવી હતી. 

mumbai mumbai news kalyan dombivli Omicron Variant