22 March, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણના મોહાનેમાં ૨૫ ફેબ્રુઆરીએ ગૅસ લીક થવાથી આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ જણ ગંભીર રીતે દાઝી ગયા હતા. એમાંથી બે જણનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં છે. ઘટનાના દિવસે ૫૬ વર્ષના વિજય ગણપત તાંડેલ તેમના પાડોશીને ત્યાં ગૅસનું રેગ્યુલેટર ફિટ કરવા ગયા હતા. તેમણે ગૅસનું બટન ઑન કર્યું ત્યારે ધડાકા સાથે ગૅસ સળગ્યો હતો અને આગ લાગી હતી. એમાં પાડોશી, તેની ૯ વર્ષની દીકરી ત્રિશા પારવે અને વિજય તાંડેલ દાઝી ગયાં હતાં. વિજય તાંડેલનું પહેલી માર્ચે સાયન હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે ત્રિશાએ ગયા ગુરુવારે ૧૩ માર્ચે છેલ્લા શ્વાસ લીધા હતા. ખડકપાડા પોલીસે આ સંદર્ભે હવે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ રજિસ્ટર કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.