26 December, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી વિશાલ ગવળીએ પોલીસથી બચવા પોતાનો લુક ફેરવી નાખ્યો, ગઈ કાલે કલ્યાણમાં કાઢવામાં આવ્યો મૂક મોરચો.
પોલીસે બુલઢાણા જઈને વિશાલ ગવળીની ધરપકડ કરી : ગયા વર્ષે નિષ્ફળ ગયેલા માથાભારે આરોપીએ પોતાની હવસ પૂરી કરીને માસૂમ બાળાનું મર્ડર કર્યું : લોકોમાં જબરદસ્ત આક્રોશ
કોઈ તેને બચાવવા માટે આગળ ન આવ્યું : બાળકીની માતાનો આરોપ
આરોપી વિશાલે ગયા વર્ષે પણ મારી દીકરીના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જોકે એ વખતે મારી દીકરીએ તેનો પ્રતિકાર કર્યો હતો. એથી વિશાલે તેની મારઝૂડ કરી હતી, પણ તેને એ લઈ જઈ નહોતો શક્યો. આ વખતે જ્યારે તે મારી દીકરીને જબરદસ્તી લઈ જઈ રહ્યો હતો ત્યારે રોડ પર ઘણા બધા લોકો હતા, પણ કોઈ તેને બચાવવા આગળ આવ્યું નહોતું.
કલ્યાણના ચક્કીનાકા વિસ્તારમાં રહેતી સગીર કિશોરીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર નરાધમ આરોપી વિશાલ ગવળીને પોલીસે તેના સાસરાના ગામ શેગાવથી પકડી લીધો છે. પોલીસને હાથતાળી આપવા વિશાલે તેનો ગેટ-અપ ચેન્જ કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. સામાન્ય રીતે દાઢી રાખતા વિશાલે શેગાવમાં એક સલૂનમાં જઈ ક્લીન શેવ કરાવી લીધી હતી. જોકે પોલીસે બુધવારે સવારે તેને પકડી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં તેને મદદ કરનાર રિક્ષા-ડ્રાઇવરની પૂછપરછ કરી છે અને આરોપી વિશાલને ભગાડવામાં મદદ કરનાર તેની પત્ની સાક્ષીની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાના દિવસે કિશોરી ઘર નજીકની દુકાનમાં ગઈ હતી. તે ત્યાંથી પાછી ફરી રહી હતી ત્યારે વિશાલે તેને જબરદસ્તી એક રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી નાસી ગયો હોવાનું ત્યાંના કલોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં આવી ગયું હતું. એ પછી કિશોરીનો મૃતદેહ ભિવંડીના બાપગાવ પાસેથી મળી આવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અતુલ ઝેંડેએ આ બાબતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે ‘કિશોરીની હત્યાના આ કેસમાં અમે આરોપી વિશાલને પકડવા છ ટીમ તૈયાર કરી હતી જે અલગ-અલગ બાબતો પર તપાસ ચલાવી રહી હતી. કિશોરીની હત્યા કર્યા બાદ તે કલ્યાણથી ભાગી ગયો હતો. બુલઢાણા જિલ્લાના શેગાવમાં તેની પત્ની સાક્ષીનું પિયર છે. એથી વિશાલ ત્યાં ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી એટલે એક ટીમ તેને શોધવા શેગાવ ગઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.’
વિશાલ પર આ પહેલાં વિનયભંગ, લૂંટ, મારઝૂડ કરવી જેવા કુલ છ ગુના દાખલ થયેલા છે. બે કેસમાં તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જ તે જામીન પર બહાર આવ્યો હતો. વિશાલના આ પહેલાં બે લગ્ન થયાં હતાં. હાલ તે તેની ત્રીજી પત્ની સાથે રહેતો હતો. કલ્યાણ-ઈસ્ટમાં તે દાદાગીરી કરતો હતો અને તેની જબરી ધાક હતી. એવું પણ કહેવાય છે કે અમુક લોકોએ તેના ડરને લીધે ત્યાંથી પલાયન પણ કરી દીધું હતું.
હત્યા કર્યા બાદ દારૂ ખરીદ્યો
કલ્યાણ રેપકેસનો આરોપી વિશાલ ગવળી પીડિતા પર બળાત્કાર કરીને તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ભિવંડી પાસેના બાપગાવ પાસે ફેંકી દઈને એક બારમાં પહોંચી ગયો હતો. જોકે તેણે ત્યાં દારૂ પીધો નહોતો, પણ ત્યાંથી ખરીદ્યો હતો અને એ માટે તેણે ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું જે બારમાં બેસાડાયેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં ઝડપાયું હતું. જોકે એ વખતે પણ તે આટલો મોટો કાંડ કરી આવ્યો હોવા છતાં ટેન્શનમાં દેખાતો નહોતો, એકદમ રિલૅક્સ્ડ હતો.
બદલાપુરના આરોપી જેવી જ કાર્યવાહી કરવા CMને રજૂઆત
આ અમાનવીય ઘટનાને લઈને કલ્યાણના મહિલા વિધાનસભ્ય સુલભા ગાયકવાડે મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રજૂઆત કરી છે કે ‘જે રીતે બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેએ ત્રણ લગ્ન કર્યાં હોવા છતાં વિનયભંગનું કૃત્ય કર્યું હતું અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એ જ રીતે આ કેસના આરોપીએ પણ ત્રણ લગ્ન કર્યાં બાદ સગીરા પર બળાત્કાર કરી તેની હત્યા કરી છે. જેવી કડક કાર્યવાહી અક્ષય પર કરવામાં આવી એવી જ આરોપી વિશાલ ગવળી પર પણ કરવામાં આવે.’
લોકોએ મોં પર કાળી પટ્ટી લગાડી મોરચો કાઢ્યો
ગઈ કાલે લોકોએ પીડિતાના ઘરેથી મોં પર કાળી પટ્ટી બાંધી મૂક મોરચો કાઢી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત રાજકીય પક્ષો અને સ્થાનિકો દ્વારા આ બાબતે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.