25 January, 2026 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરાધમ ડ્રાઇવરની ગેરકાયદે સ્કૂલ-વૅન
બદલાપુરમાં ગેરકાયદે સ્કૂલ-વૅનના ડ્રાઇવરે ૪ વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું એ પછી કલ્યાણ RTOએ ઇલીગલ વાહનો જપ્ત કરવાની અને લાઇસન્સ રદ કરવાની જાહેરાત કરીને કહ્યું કે...
બદલાપુર-વેસ્ટની એક સ્કૂલમાં ૪ વર્ષની માસૂમ બાળકી પર સ્કૂલ-વૅનના ચાલકે અત્યાચાર કરવાની અત્યંત આઘાતજનક ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી હતી. આ મામલે બદલાપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં આરોપી ડ્રાઇવર ગેરકાયદે રીતે સ્કૂલ-વૅન ચલાવતો હોવાનું પ્રકાશમાં આવતાં કલ્યાણની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ અને ટ્રાફિક-વિભાગે વાલીઓને સાવચેત રહેવાની અપીલ કરી છે. ટ્રાફિક-વિભાગના જણાવ્યા અનુસાર બાળકોને સ્કૂલમાં લાવવા-લઈ જવા માટે વપરાતી અનેક ખાનગી વૅન અને વાહનો નિયમ મુજબની સ્કૂલ-બસની પરમિટ ધરાવતાં નથી જે બાળકોની સલામતી માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.
વાલીઓ પોતાનાં બાળકોને ગેરકાયદે અથવા પાસિંગ વગરની કોઈ પણ સ્કૂલ-વૅનમાં ન મોકલે, ઘણી ખાનગી વૅન અને રિક્ષાઓમાં બાળકોને એમની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં બેસાડવામાં આવે છે જે માર્ગ-અકસ્માત સમયે ઘાતક નીવડી શકે છે, તદુપરાંત આવાં વાહનોમાં સુરક્ષાનાં ધોરણો જેવાં કે ફાયર-એક્સ્ટિંગ્વિશર કે ફર્સ્ટ એઇડ બૉક્સની સુવિધા પણ હોતી નથી એમ જણાવતાં કલ્યાણ RTOના અસિસ્ટન્ટ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર આશુતોષ બારકુલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બદલાપુર જેવી ઘટનાઓ ફરી ન બને એ માટે હવે ડ્રાઇવરના ચારિત્ર્યની તપાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કાયદેસર સ્કૂલ-બસ કે વૅન માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એમાં ડ્રાઇવરનું બૅકગ્રાઉન્ડ તપાસવું ફરજિયાત છે. વાલીઓ બાળકો માટે જે વાહન ભાડે રાખે છે એના ડ્રાઇવરનું લાઇસન્સ અને બૅકગ્રાઉન્ડની તપાસ કરવી જરૂરી છે જેથી તાજેતરમાં બનેલી એવી ઘટના ટાળી શકાય તેમ જ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિના હાથમાં બાળક ન જાય. આગામી દિવસોમાં સમગ્ર કલ્યાણ અને થાણેમાં સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. જે વાહનો પાસે યોગ્ય દસ્તાવેજો નહીં હોય અથવા જેઓ નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાશે એ વાહનો જપ્ત કરવાની અને લાઇસન્સ રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે સ્કૂલોને પણ સૂચના આપી છે કે તેઓ તેમની સ્કૂલમાં આવતાં તમામ ખાનગી વાહનોની યાદી તૈયાર કરે અને સુરક્ષાના માપદંડો ચકાસે. બાળકોની સુરક્ષા માત્ર પોલીસ કે સ્કૂલની જ નહીં, વાલીઓની પણ જવાબદારી છે. થોડા રૂપિયા બચાવવા કે સુવિધા ખાતર ગેરકાયદે વાહનોનો ઉપયોગ કરવો એ બાળકોને જોખમમાં મૂકવા સમાન છે. વાલીઓએ જાગૃત થઈને માત્ર પીળા રંગની કાયદેસર સ્કૂલ-બસ કે પરમિટ ધરાવતી વૅનનો જ આગ્રહ રાખવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય બનાવને રોકી શકાય.’
કલ્યાણ RTO દ્વારા સઘન ઝુંબેશ
જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન નિયમભંગ કરનારાં કુલ ૨૫૯ વાહનો સામે કાર્યવાહી કરીને ૭.૮૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે માત્ર જાન્યુઆરી ૨૦૨૬માં જ વધુ ૩૯ વાહનો સામે લાલ આંખ કરીને ૧.૪૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જે દર્શાવે છે કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RTO દ્વારા ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ દોડતાં વાહનો સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
થાણે અને કલ્યાણમાં પણ થશે કાર્યવાહી
થાણે ટ્રાફિક-વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બદલાપુરની ઘટના બાદ થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં આવતી સ્કૂલોમાં જઈને અમારા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેમ જ સ્કૂલ સમયે સ્કૂલની આસપાસ પૅટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જો કોઈ ગેરકાયદે વાહન બાળકોને લઈ જતું દેખાશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’