23 July, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા બન્ને આરોપી.
કલ્યાણના કોળશેવાડી વિસ્તારમાંથી ૧૪ જુલાઈના ગુમ થયેલાં ૫૩ વર્ષનાં શિક્ષિકા અને લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)નાં એજન્ટ સંગીતા ચંદનશિવેની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગુમ થયાના બે દિવસ બાદ ૧૬ જુલાઈઅે નાશિકના સિન્નર-ઘોટી રોડ પરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, ટેક્નિકલ અૅનૅલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી આ હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ક્રાઇમ અમરસિંહ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિગંબર આવ્હાડ, તુષાર રત્નપારખી, સંતોષ યાદવ અને વિનોદચંદ્ર ઉર્ફે સંતોષ પાંડેએ મિલકત પચાવી પાડવાના હેતુથી આ ષડ્યંત્ર રચ્યું હતું. આરોપીઓએ મહિલાને LIC પૉલિસી લેવાના બહાને આસનગાંવ ખાતે બોલાવી હતી. ત્યાં ભાડાના મકાનમાં લઈ જઈ મહિલાની મિલકતમાં પોતાના નામે વારસદાર દર્શાવતા વિલ પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. ત્યાર બાદ મહિલાનું મોં અને નાક દબાવીને હત્યા કરી હતી અને પછી મૃતદેહને કારમાં નાશિક તરફ ફેંકી દીધો હતો. આ કેસમાં અમે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને આગળના બે આરોપીની શોધ હાથ ધરી છે.’