14 May, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાણેજની હત્યા પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.
કલ્યાણ-વેસ્ટના ઉંબર્ડે કોળીવલી વિસ્તારમાં રૉયલ ઢાબા પર કામ કરતા મામા-ભાણેજ વચ્ચે મોબાઇલ પર લુડો ગેમ રમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાનું પરિણામ હત્યામાં આવ્યું હતું. ૧૮ વર્ષનો ગોકુલ નેપાલી મામાને બદલે પોતે દાવ રમ્યો હતો જેનો રોષ રાખીને મંગળવારે મોડી રાતે ગોકુલ સૂતો હતો ત્યારે ભાણેજ કરતાં નાના મામાએ છરીથી તેનું ગળું કાપી દીધું હતું. આ મામલે ખડકપાડા પોલીસે મામાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મામા અને ભાણેજ એક જ ઢાબા પર કામ કરતા હતા. આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અમરનાથ વાઘમોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે ગોકુલ ગાઢ નિદ્રામાં હતો ત્યારે ક્રોધે ભરાયેલા મામાએ રસોડામાંથી છરી લાવીને તેના ગળા પર વાર કર્યા હતા. હુમલા બાદ ઘણું લોહી વહી જવાને કારણે ગોકુલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આરોપી સગીર મામાને અમે તાબામાં લીધો છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ ગેમનો વિવાદ જ હત્યાનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.’