22 November, 2025 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના ચારકોપમાં પ્રૉપર્ટી-ડીલરનું કામ કરતા ૪૦ વર્ષના ફ્રેડી ડીમેલો પર બુધવારે કરાયેલા ફાયરિંગના કેસમા ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ કાંદિવલીના ઑફિસરોએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. એમાં ૪૨ વર્ષના કેસના મુખ્ય આરોપી રાજેશ રમેશ ચૌહાણનો પણ સમાવેશ થાય છે. રાજેશ ચૌહાણનો ઘણા સમયથી પ્રૉપર્ટી-ડીલ અને એના પૈસાને લઈને ફ્રેડી સાથે વિવાદ ચાલી રહ્યો હતો. એથી રાજેશ ચૌહાણે ચાર કૉન્ટ્રૅક્ટ-કિલરને રોકીને ફ્રેડીને મારવાની સુપારી આપી હતી. શૂટરોએ બે ગોળી મારવા છતાં ફ્રેડી બચી ગયો હતો. તેને ગંભીર ઈજા થઈ હોવા છતાં તે જાતે જ કાર ડ્રાઇવ કરીને ઑસ્કર હૉસ્પિટલ પહોંચ્યો હતો અને ડૉક્ટરોને કહ્યું હતું કે તેને ગોળી લાગી છે. ડૉક્ટરોએ ૪ કલાક સર્જરી કરીને તેના શરીરમાંથી બે ગોળી બહાર કાઢી હતી. હાલ તેની તબિયત સુધારા પર છે.
ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં રાજેશ ચૌહાણ ઉર્ફે દયા, વિરારના સુભાષ ભિકાજી મોહિતે, પુણેના ભોરમાં રહેતા મંગેશ એકનાથ ચૌધરી અને કાશીગાવમાં રહેતા રોશન બસંતકુમાર સિંહને ઝડપી લીધા હતા.
આ પહેલાં ચારકોપ પોલીસે આ કેસના અન્ય એક આરોપી અને બાર રેસ્ટોરાંમાં મૅનેજર તરીકે કામ કરતા મુન્ના મોયુદ્દીન શેખ ઉર્ફે ગુડ્ડુને શુક્રવારે સવારે ઝડપી લીધો હતો.