15 June, 2026 08:44 AM IST | Mumbai | Rohit Parikh
કાંદિવલી-વેસ્ટના હરિ સદનની ખાલી પડેલી જમીન પર સ્વખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવા માટેના ભૂમિપૂજન સમયે ભેગા થયેલા ભાડૂતો.
કાંદિવલી-વેસ્ટની શંકર ગલીના હરિ સદન બિલ્ડિંગના ભાડૂતોને મહાનગરપાલિકા તરફથી સ્વખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી મળવાથી આ બિલ્ડિંગના ૬૮ ભાડૂતોને ફરી પાછાં પોતાનાં ઘર મળવાની આશા જન્મી છે. આ ભાડૂતો છેલ્લાં ૮ વર્ષથી તેમના અત્યંત જોખમી બની ગયેલા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ તોડી પાડ્યા પછી બેઘર બની ગયા હતા. ત્યાર પછી તેઓ ત્યાં નવું બિલ્ડિંગ બને અને એમાં તેમને નવાં ઘર મળે એ માટે લડી રહ્યા હતા. જોકે શુક્રવારનો દિવસ નવા ઘરની અનિશ્ચિતતા વચ્ચે તેમને માટે મહત્ત્વનો સાબિત થયો હતો. શુક્રવારે તેઓ તેમની જ જગ્યામાં ટ્રાન્ઝિટ કૅમ્પના નિર્માણ માટે ભૂમિપૂજન કરી શક્યા હતા. ત્યારે અનેક સિનિયર સિટિઝનોની આંખ હરખનાં આંસુથી ભરાઈ ગઈ હતી. આ પહેલાં કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલા લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના ભાડૂતો લડત આપીને સ્વખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધીને અત્યારે એમાં રહે છે, જ્યારે રાધાનિવાસના ભાડૂતો તેમના પરિસરમાં ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની તૈયારી કરી રહ્યા છે.
હરિ સદન વેલ્ફેર અસોસિએશનના સભ્યો અને રહેવાસીઓએ તેમની વ્યથા વર્ણવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બે મકાનમાલિકોના આપસના ઝઘડાને કારણે બિલ્ડિંગની યોગ્ય જાળવણી કરવામાં આવી નહોતી એને કારણે અમે ૨૦૧૧થી પોતાના ખર્ચે મકાનને રિપેર કરાવીને ઇમારતને વધુ જોખમી બનતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૨માં માલિકોએ એક ડેવલપરની નિમણૂક કરી હતી અને ૨૦૧૫માં તમામ ભાડૂતોએ તેમને રીડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી, પરંતુ માલિકોના ટાઇટલ સંબંધિત વિવાદો તેમ જ ત્યાર બાદ બીજા ડેવલપર સાથે થયેલા કરારને કારણે બન્ને ડેવલપર વચ્ચે કાનૂની અને વહીવટી વિવાદ થયો હતો એને પરિણામે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી ગઈ હતી અને અમે લાંબા સમયથી રાહ જોતા રહી ગયા હતા.’
જોકે આ વિવાદ વચ્ચે ૨૦૧૯માં મુંબઈ મહાનગરપાલિકાએ હરિ સદન બિલ્ડિંગને જોખમી જાહેર કરીને અત્યંત જોખમી (C-1) કૅટેગરીમાં સમાવેશ કરીને એને તોડી પાડ્યું હતું અને ત્યારથી ૬૮ પરિવારોને ન તો નિયમિત ભાડું મળ્યું છે કે ન તો કાયમી રહેઠાણની વ્યવસ્થા થઈ હતી. એને કારણે પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેમની અનેક લડત પછી પણ તેમને ન્યાય મળતો નહોતો. તેઓ બેઘર બનીને પોતાના ઘરની આશામાં ભટકી રહ્યા હતા.
આ સંદર્ભે ભાડૂતોએ કહ્યું હતું કે ‘આખરે લાંબા સમય પછી અમારા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય યોગેશ સાગરના સહયોગથી હરિ સદન વેલ્ફેર અસોસિએશને મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તરફથી પોતાના ખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની મંજૂરી મળી હતી. અનેક વહીવટી અને કાનૂની અવરોધ પાર કર્યા બાદ આખરે શુક્રવારે અમે યોગેશ સાગરની હાજરીમાં ટ્રાન્ઝિટ કૅમ્પના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. બે ડેવલપરો જેઓ મોટા ભાગે પરદેશમાં રહે છે અથવા તો વિદેશની ટૂર પર હોવાથી અમે વર્ષો સુધી પીડાઈ રહ્યા છીએ. અમે આજે પણ સરકાર અને સંબંધિત પ્રશાસન પાસે રીડેવલપમેન્ટ કરીને અમને અમારાં ઘર આપીને અમને ન્યાય આપવાની માગણી કરી છે. હવે અમને આશા છે કે ટ્રાન્ઝિટ કૅમ્પના નિર્માણ સાથે લાંબા સમયથી અટવાયેલો પુનર્વિકાસ પ્રોજેક્ટ આગળ વધશે અને વર્ષોથી રાહ જોઈ રહેલા પરિવારોને પોતાનું કાયમી ઘર મળી શકશે.’
ભૂમિપૂજન સમયે યોગેશ સાગરે બન્ને મકાનમાલિકોના વલણની ટીકા કરતાં કહ્યું હતું કે ‘હરિ સદનમાં મકાનમાલિકોએ ભાડૂતો પાસેથી છથી ૭ રૂમ ખરીદી રાખી છે, પણ તેમને આ ટ્રાન્ઝિટ કૅમ્પમાં કોઈ સ્થાન આપવામાં આવશે નહીં. તેમને અપીલ કરું છું કે પરિસરમાં તેમણે જે ભંગાર અને કાટમાળના ઢગલા રાખી મૂકીને જમીન પર જે કબજો જમાવી રાખ્યો છે એ અવરોધ ખસેડીને પીડિત ભાડૂતો માટે બની રહેલા ટ્રાન્ઝિટ કૅમ્પ માટે જમીન તાત્કાલિક ખાલી કરે, નહીંતર એ ભંગાર અને કાટમાળનું લિલામ કરીને એના પૈસા અસોસિએશનના અકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે અને એ તેમને તેઓ જ્યારે પાછા આવશે ત્યારે આપી દેવામાં આવશે.’