સોનાના ભાવે પાંચ કિલો પિત્તળ ખરીદ્યું

06 August, 2022 09:49 AM IST  |  Mumbai | Mehul Jethva

કાંદિવલીના કપડાંના વેપારી સાથે થઈ લાખો રૂપિયાની છેતરપિંડી : રિક્ષામાં મળેલા અજાણ્યા યુવકે જમીનની નીચેથી પાંચ કિલો પાન મળ્યાં છે એમ કહીને સસ્તામાં આપવાની લાલચ આપતાં વેપારી ફસાયો

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલીમાં રહેતા ૬૪ વર્ષના કપડાંના વેપારી કોઈ કામસર પત્ની સાથે વાલિવ આવ્યા હતા. એ દરમ્યાન રિક્ષામાં તેમને એક યુવક મળ્યો હતો. તેણે વેપારીને સોનાનું એક પાન બતાવ્યું હતું અને કહ્યું હતું કે મને જમીનની નીચેથી આવાં પાંચ કિલો પાન મળ્યાં છે જે મારે વેચવા છે. એમ કહીને તેણે વેપારીને એ સસ્તામાં આપવાની લાલચ આપી હતી. વેપારીએ સસ્તામાં પાન ખરીદવાની લાલચમાં આવીને ૧૨ લાખ રૂપિયામાં એ ખરીદ્યાં હતાં. પછી એ પાન બોરીવલીમાં એક જ્વેલરને બતાવતાં તમામ પાન પિત્તળનાં હોવાનું જાણવા મળ્યું હતું. છેતરપિંડીનો શિકાર થયેલા વેપારીએ વાલિવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી એક સોસાયટીમાં રહેતા સુનીલ ચોકસીએ કરેલી ફરિયાદ અનુસાર ૨૧ જુલાઈએ તે પત્ની સાથે ટ્રેનમાં વસઈ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સ્ટેશનની બહારથી રિક્ષા પકડીને વાલિવ તરફ જતી વખતે એક યુવક તેમની બાજુમાં બેઠો હતો. તેણે સુનીલભાઈને સોનાનું એક પાન બતાવ્યું હતું. એ હાથમાં લેતાં એ સાચું હોવાનું જણાયું હતું. એ પછી આવેલા ગઠિયાએ કાશીવિશ્વનાથ મંદિર પાસે પોતાનાં મમ્મી-પપ્પાને ફોન કરીને તમામ સોનાનાં પાનની થેલી સાથે બોલાવ્યાં હતાં અને એ પાંચ કિલો સોનાનાં પાન ફરિયાદીને દેખાડ્યાં હતાં. એ જોઈને ફરિયાદી ત્યાંથી પાછા ઘરે ગયા હતા. ૨૫ જુલાઈએ ગઠિયાએ વેપારીને ફોન કર્યો હતો અને તમામ સોનાનાં પાન ૧૨ લાખ રૂપિયામાં લેવાનું વેપારીએ નક્કી કર્યું હતું. એ જ દિવસે સાંજે ચાર વાગ્યે ફરિયાદી અને તેમની પત્ની પોતાની કારમાં પાછા વાલિવ ગયાં હતાં. છેતરપિંડી કરનાર ગઠિયાએ તેમને પંચવટી હોટેલ પર બોલાવ્યાં હતાં. ત્યાં વેપારીએ ૧૨ લાખ રૂપિયા રોકડા આપીને પાંચ કિલો સોનાનાં પાન લીધાં હતાં. ત્યાંથી નીકળી બોરીવલીમાં આવીને એક જ્વેલરને આ પાન બતાવતાં તમામ પાન પિત્તળનાં હોવાની માહિતી ફરિયાદીને મળી હતી. એ પછી ગઠિયાના નંબર પર ફોન કરતાં તેનો નંબર બંધ આવ્યો હતો. અંતે પોતે છેતરપિંડીનો શિકાર થયા હોવાનું સમજાતાં તેમણે વાલિવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વાલિવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં ફરિયાદી લાલચમાં આવી જઈને છેતરપિંડીનો શિકાર થયો છે. આરોપીએ ફરિયાદીની મોટી ઉંમરનો ફાયદો ઉઠાવીને તેની સાથે છેતરપિંડી કરી હતી. જે વિસ્તારમાં ફરિયાદી પાસેથી આરોપીએ પૈસા લીધા છે એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news kandivli mehul jethva