✕

બિલ્ડરની આ‍ૅફિસ અને સાઇટ સામે ઘરવિહોણા બનેલા રહેવાસીઓનો વિરોધ

13 October, 2026 07:41 AM IST  |  Mumbai | Rohit Parikh

૮ વર્ષથી પોતાના ઘરથી દૂર, ૪ વર્ષથી બાંધકામ અટક્યું, ૧૮ મ‌હિનાથી ભાડું પણ બંધ: કાં‌દિવલીના પ્રતાપ પૅલેસના રીડેવલપમેન્ટના ભાડૂતોની ગજબ ‌વિટંબણા, ડિસેમ્બરમાં કામ શરૂ કરવાની બિલ્ડરે આપી ખાતરી

જેપીવી બિલ્ડરની ઑફિસ સામે અને સાઇટ પર વિરોધ-પ્રદર્શન કરી રહેલા કાંદિવલીના પ્રતાપ પૅલેસના રહેવાસીઓ.

મુંબઈ અને ઉપનગરોમાં અનેક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટો વર્ષોથી યેનકેન કારણોસર વિલંબિત થઈ રહ્યા છે જેને કારણે હજારો ભાડૂતો ઘરવિહોણા બનીને અહીંતહીં ભટકતા રહે છે. બિલ્ડરો આર્થિક તંગીનું કારણ આપીને આ ભાડૂતોને તેમનું હકનું ભાડું આપતા નથી. આવા કિસ્સાઓ રોજ સાંભળવા મળે છે, પણ ભાડૂતોને ન્યાય મળતો નથી. આવી જ હાલત કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલા પ્રતાપ પૅલેસના ભાડૂતોની છે. રવિવારે આ ભાડૂતોએ તેમના બિલ્ડિંગના રીડેવલપેમન્ટમાં લાંબા સમયથી થઈ રહેલા વિલંબ અને છેલ્લા ૧૮ મહિનાથી ભાડું ન મળવાના મુદ્દે સાઇટ પર અને તેમના ડેવલપરની ઑફિસની સામે વિરોધ-પ્રદર્શન કરીને તેમના હકની માગણી કરી હતી. તેઓ કહે છે કે અમે ડેવલપરની મોટી ઑફરની લાલચમાં આવીને અત્યારે રોડ પર આવી ગયા છીએ, બેઘર બની ગયા છીએ અને હવે રાતાં આંસુએ રડી રહ્યા છીએ પણ અમારી વહારે કોઈ આવતું નથી. 
પ્રતાપ પૅલેસના રહેવાસીઓએ તેમની સમસ્યાની વ્યથા વર્ણવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૮માં ૪૨ મહિનામાં રીડેવલપમેન્ટ પૂરું થવાની આશા સાથે અમે ઘર ખાલી કર્યાં હતાં. જોકે કામમાં થતા વિલંબને કારણે આજ સુધી અમે ઘરવિહોણા છીએ. એ દુઃખ ઓછું હોય એમ અમારું ભાડું પણ બિલ્ડરે તેની પાસે પૈસા નથી એમ કહીને બંધ કરી દીધું છે. અમે ૪૨ મેમ્બરો છીએ અને બાકીના નવા ફલૅટ લેવાવાળા આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ બિલ્ડર પર કોઈ જ અસર થતી નથી.’

સ્થાનિક રહેવાસી સુભાષ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને વેસ્ટર્નના ઉપનગરના નામાંકિત બિલ્ડર અને ડેવલપર જેપીવી બિલ્ડરે ૪ માળની બે સોસાયટીનાં અને બે ભાડૂઆત બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ માટે ૧૯ માળનું બિલ્ડિંગ બાંધી આપવાની અને અમારી ઓરિજિનલ જગ્યાના ક્ષેત્રફળ કરતાં ૩૭ ટકા જગ્યા વધારે આપવાની ખાતરી આપી હતી. અમે અમારું સપનાનું ઘર મળશે એવી આશાએ ૨૦૧૮માં અમારાં ઘર ખાલી કરી આપ્યાં હતાં. એ સમયે ડેવલપર જિગર વોરા ૪૨ મહિનાની સમયમર્યાદામાં બિલ્ડિંગ બાંધી આપવા કરારબદ્ધ થયા હતા. આજે ૮ વર્ષ પછી પણ પ્રોજેક્ટ પૂરો થયો નથી. આજે હાલત એ છે કે તેમણે ૪ વર્ષથી આગળ બે માળ અને પાછળની બાજુ એટલે કે બીજી વિંગના ૬ માળ બનાવીને કામ અધવચ્ચે જ અટકાવી દીધું છે. એટલું જ નહીં, છેલ્લા ૧૮ મહિનાથી મારી પાસે પૈસા નથી કહીને અમારું ભાડું પણ બંધ કરી દીધું છે. આખરે નાછૂટકે અમે રવિવારે જેપીવી બિલ્ડરની ઑફિસ સામે અને સાઇટ પર અમારા હકની માગણી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આમ છતાં આજ સુધી અમને અમારું બાકીનું ભાડું અને ક્યારે નવું ઘર અમને સોંપશે એ સંદર્ભમાં ડેવલપર તરફથી સંતોષકારક જવાબ મળ્યો નથી.’

ડેવલપરની સ્પષ્ટતા

પ્રતાપ પૅલેસના રહેવાસીઓની ફરિયાદ અને આક્ષેપોની સામે સ્પષ્ટતા કરતાં જેપીવી રિયલ્ટર્સ સંભાળી રહેલા જિગર વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે આર્થિક તંગીને કારણે મારો પ્રતાપ પૅલેસનો પ્રોજેક્ટ છેલ્લાં ૪ વર્ષથી અટકી ગયો છે. આ પ્રોજેક્ટ સાથે મારા પિતાનું નામ જોડાયેલું છે. આ પ્રોજેકટ હાથમાં લીધા પછી મારે કોરોના જેવા કપરા સમયગાળામાંથી પસાર થવું પડ્યું હતું અને કેટલીક આર્થિક મુશ્કેલીઓ પણ આવી હતી. આમ છતાં મેં હિંમત હારી નથી. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પ્રોજેક્ટનું કામ ફરી શરૂ કરીને રહેવાસીઓને તેમનાં નવાં ઘરોમાં પ્રવેશ કરાવીશ એવી ખાતરી આપું છું. ’ 

mumbai news mumbai kandivli mumbai police exclusive gujaratis of mumbai gujarati community news