કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટરનો અશ્લીલ વિડિયો બનાવનાર સફાઈ-કામદાર પકડાયો

07 August, 2024 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ  છે

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં એક ઘૃણાસ્પદ ઘટના બની છે. ગઈ કાલે સવારે એક મહિલા ડૉક્ટરનો છુપાઈને અશ્લીલ વિડિયો બનાવનાર સફાઈ-કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે. કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ  છે.

આ કેસની વિગત આપતાં કાંદિવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગણોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના ગઈ કાલે સવારે ૯ વાગ્યાની હતી. એ મહિલા ડૉક્ટર બાથરૂમમાં નાહવા ગઈ હતી. નાહતી વખતે અચાનક તેનું ધ્યાન વેન્ટિલેશન તરફ જતાં તેને મોબાઇલ દેખાયો અને કોઈક વ્યક્તિની મૂવમેન્ટ પણ જણાઈ એથી તે ફટાફટ બહાર આવી અને તપાસ કરી હતી. એ બાથરૂમની બાજુમાં હાઉસકીપિંગની રૂમ હતી અને હૉસ્પિટલનો ૪૦ વર્ષનો સફાઈ-કર્મચારી જયેશ સોલંકી એ વેન્ટિલેશનની બીજી તરફ ખુરસી મૂકીને મોબાઇલમાં વિડિયો-રેકૉર્ડિંગ કરી રહ્યો હોવાનું જણાતાં તેણે હૉસ્પિટલના તેના સિનિયર્સને જાણ કરી હતી. એ પછી જયેશ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ-સ્ટેશનને જાણ કરવામાં આવતાં અમે તેની ધરપકડ કરી છે. તેની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં ૧૦ વર્ષની નોકરી છે. વળી તે પરણેલો છે અને બે બાળકોનો પિતા છે. અમે તેની સામે ગુનો નોંધ્યો છે. જોકે નવા કાયદા મુજબ તેની સામે નોંધાયેલો ગુનો જામીનપાત્ર હોવાથી હાલમાં તેની પૂછપરછ કરીને સ્ટેટમેન્ટ નોંધી તેને જામીન અપાશે. ત્યાર બાદ આગળ ચાર્જશીટ ફાઇલ કરીને અન્ય પ્રોસીજર કરવામાં આવશે.’   

kandivli shatabdi hospital Crime News mumbai crime news mumbai mumbai news mumbai police