05 April, 2025 07:58 AM IST | Mumbai | Faizan Khan
પંચશીલ હાઇટ્સ સોસાયટી
સિક્યૉરિટી એજન્સીને ૧૫ દિવસ માટે રોજના ૧૦,૦૦૦ રૂપિયા આપશે કાંદિવલીની સોસાયટી
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી ખાઉગલીની આસપાસના રસ્તા અને ફુટપાથ પર ફેરિયાઓએ કબજો જમાવી લીધો હોવાથી કંટાળી ગયેલા એક સોસાયટીના રહેવાસીઓએ પોતાના ગેટની બહાર આવેલી ફુટપાથ પરથી ફેરિયાઓને હટાવવા રીતસરના બાઉન્સર્સ ગોઠવી દીધા છે.
મહાવીરનગરના મેઇન રસ્તા પર પંચશીલ હાઇટ્સની બહારની ફુટપાથ પણ અત્યારે ફેરિયામુક્ત કરી દેવામાં આવી છે.
મહાવીરનગરની સૌથી ફેમસ પંચશીલ હાઇટ્સ સોસાયટીએ અત્યાર સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ફેરિયાઓની અનેક ફરિયાદ કરી છે, પણ તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ ન મળતાં હવે આ મૅટર પોતાના હાથમાં લઈ લીધી છે.
વીસથી વધારે વર્ષ જૂની ૩૦૦ ફ્લૅટની આ સોસાયટીના બે ગેટ છે. એક મેઇન રોડ પર છે અને બીજો પંચોલિયા સ્કૂલની સામે છે. આ બન્ને ગેટની વચ્ચે જે ફુટપાથ છે એના પોણા ભાગ પર ફેરિયાઓ ગોઠવાઈ ગયા છે. પહેલાં ત્યાં સવારે એક ઇડલીવાળો અને સાંજે એક ઢોસાવાળો જ ઊભા રહેતા હતા, પણ હવે તો ઘણા ફેરિયાઓ થઈ ગયા છે. એને લીધે સોસાયટીના લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ થઈ રહી છે. લોકો ખાવા માટે રસ્તા પર ઊભા રહી જતા હોવાથી વેહિકલ કાઢવામાં પણ ત્યાં રહેતા ૧૦૦૦થી વધારે મેમ્બરોને તકલીફ પડે છે. સોસાયટીનું કહેવું છે કે જ્યારે પણ BMCની ગાડી આવે ત્યારે ૧૫-૨૦ મિનિટ માટે એ લોકો ભાગી જાય છે અને પછી પાછા આવી જાય છે.
પંચશીલ હાઇટ્સના ચૅરમૅન સચિન સરદેસાઈએ કહ્યું હતું કે ‘ફુટપાથને ફેરિયામુક્ત કરવા માટે અમે અમારી સોસાયટીની સિક્યૉરિટી એજન્સી મારફત ૧૫ દિવસ માટે બાઉન્સર્સ રાખ્યા છે. જો ૧૫ દિવસ બાદ ફેરિયાઓ પાછા આવી જશે તો અમે ફરી બાઉન્સર્સ રાખીશું. BMCએ કોઈ પગલાં ન લીધાં હોવાથી અમારે આ નિર્ણય લેવો પડ્યો છે.’
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી પંચશીલ હાઇટ્સ સોસાયટીના કૉર્નર પર ઇડલી-ઢોસાવાળાની જગ્યાએ બાઉન્સર્સ ગોઠવાઈ ગયા છે.
સોસાયટી ૧૦-૧૨ બાઉન્સર્સ રાખવાની છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે. એ વિશે સોસાયટીના સેક્રેટરી ઇન્દુકુમાર અમીને કહ્યું હતું કે ‘અમે સિક્યૉરિટી એજન્સીને ૧૫ દિવસ માટે રોજના ૧૦,૦૦૦ રૂપિયા આપવાના છીએ. ફેરિયાઓ ન આવે એ માટે બાઉન્સર્સ સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ફુટપાથ પર રહેશે. આને લીધે અમારી સોસાયટી પર થોડું ફાઇનૅન્શિયલ બર્ડન વધશે, પણ BMCની નિષ્ક્રિયતાને લીધે અમારે આ કરવા સિવાય છૂટકો નથી.’
ફુટપાથ પર બાઉન્સર્સ મૂકવાનો નિર્ણય લેનારા પંચશીલ હાઇટ્સ સોસાયટીના કમિટી મેમ્બર્સ. તસવીરો : સતેજ શિંદે
સોસાયટીના ચૅરમૅને કહ્યું હતું કે બે દિવસ પહેલાં તેમણે સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગરને ફેરિયાઓની ફરિયાદ કરી તો તેમણે સ્થાનિક વૉર્ડ ઑફિસની મદદથી બધાને ફુટપાથ પરથી હટાવ્યા હતા.