લગ્નના માંડવાને બદલે જેલની હવા

20 January, 2022 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન કરવા માટે કાંદિવલીની ફેમસ દુકાનના બૅન્કમાં ભરવા આપેલા પૈસા લઈને ગામમાં નાસી ગયેલા આરોપીની પોલીસે મૅરેજ પહેલાં જ કરી ધરપકડ

જૈન સ્વીટ્સ નામની દુકાન, આરોપી રોહિત મિશ્રા

કાંદિવલીમાં આવેલી જૈન સ્વીટ્સ નામની દુકાનમાં કામ કરતો એક યુવક લગ્ન કરવા માટે દુકાનના માલિકે બૅન્કમાં ભરવા આપેલા સાડાત્રણ લાખ રૂપિયા લઈને પલાયન થઈ ગયો હતો. એની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પોલીસ અધિકારીઓએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ગામમાંથી આરોપીની લગ્ન પહેલાં જ ધરપકડ કરીને તેની પાસેથી ૨.૨૦ લાખ રૂપિયાની રિકવરી કરી હતી. 
કાંદિવલી-વેસ્ટમાં રેલવે સ્ટેશનની બહાર આવેલી જૈન સ્વીટ્સના માલિક પ્રદીપ જૈને પોલીસમાં ફરિયાદ કરી હતી કે ૨૭ ડિસેમ્બરે રાતે તેમણે તેમના એક વિશ્વાસુ માણસને દુકાનના કલેક્શનના સાડાત્રણ લાખ રૂપિયા બૅન્કમાં જમા કરાવવા કહ્યું હતું. બપોરે બૅન્કમાં જવા નીકળ્યા પછી રાત સુધી તે માણસનો કોઈ પત્તો ન લાગતાં તેમણે રાતના કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આની તપાસ શરૂ કરી હતી જેમાં આરોપી સીસીટીવી કૅમેરાના ફુટેજમાં બૅન્કની બહાર દેખાયો હતો. તે મોટરસાઇકલ પર જોવા મળ્યો હતો. પોલીસે તેના અન્ય સાથીદારોની પૂછપરછ કરી તો જાણવા મળ્વ્યું હતું કે આરોપીનાં લગ્ન થવાનાં છે અને તે ગામમાં જવાનો હતો. એ પછી પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ગઈ હતી અને ૨૧ વર્ષના રોહિત મિશ્રાની તેના ઘરેથી ધરપકડ કરી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સૂર્યકાંત પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ અમને જણાવ્યું હતું કે તેનાં લગ્ન થવાનાં છે અને એ માટે તેને વધુ પૈસાની જરૂર હતી એટલે તે તેના બૉસના પૈસા લઈને ભાગી ગયો હતો. આરોપી છેલ્લાં પાંચ વર્ષથી જૈન સ્વીટ્સમાં કામ કરતો હતો અને તેના માલિકનો સૌથી વફાદાર માણસ હતો. આરોપી પાસેથી અમે ૨,૨૦,૦૦૦ રૂપિયા રિકવર કર્યા છે.’

mumbai mumbai news Crime News mumbai crime news kandivli mehul jethva