વીજ‍ળીના કડાકાભડાકા સાથે વરસી પડ્યો મેહ

22 September, 2026 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્જતમાં એક જ કલાકમાં અધધધ ૧૧૨ મિલીમીટર વરસાદ ખાબકીને લોકોને ચોંકાવ્યા

ગઈ કાલે કાંદિવલી(ઈસ્ટ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભીંજાતા લોકો. તસવીર : સતેજ શિંદે

સપ્ટેમ્બર મહિનાને પૂરો થવામાં એટલે કે સત્તાવાર રીતે ચોમાસું પતવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે મેઘરાજાએ પોતાની છેલ્લી સવારી કાઢી હોવાનું સોમવારે જણાયું હતું. મુંબઈનાં બોરીવલી, કાંદિવલી, દહિસર, ઘાટકોપર, મુલુંડ જેવાં ઉપનગરો ઉપરાંત શહેર વિસ્તારમાં વરસાદે દેખા દીધી હતી. એમાં પણ અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારા તથા વીજગર્જના સાથે વરસાદ સામાન્ય, પરંતુ સતત બેથી ૩ કલાક સુધી ખાબક્યો હતો. જોકે વરસાદનું સૌથી વધુ જોર કર્જત વિસ્તારમાં જોવા મળ્યું હતું, જ્યાં ફક્ત એક જ કલાકમાં ૧૧૨ મિલીમીટર પડ્યો હતો. 

મુંબઈમાં મોટા ભાગના વિસ્તારોમાં ગઈ કાલે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ખાસ કરીને સાંજના સમયે સારોએવો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈ ઉપરાંત થાણે અને પાલઘરમાં ગઈ કાલે સારો વરસાદ પડ્યો હતો. જોકે આગામી ૪ દિવસ સુધી અને ખાસ કરીને ૭૨ કલાક દરમ્યાન મહારાષ્ટ્રના બાવીસ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ આગાહી કરી છે. સિંધુદુર્ગ અને રત્નાગિરિમાં ભારે વરસાદ પડી શકે એવું અનુમાન હવામાન ખાતાનું છે. ત્રીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વિદર્ભ તથા મરાઠવાડામાં પણ વરસાદ હાજરી નોંધાવશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

mumbai news mumbai mumbai rains indian meteorological department Weather Update mumbai weather monsoon news mumbai monsoon