આપકો કોઈ ગોલી માર દેગા તો ભી હમેં કોઈ ફરક નહીં પડતા

29 April, 2025 09:28 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

કાશ્મીરના ટૅક્સીવાળાએ સામાન ફેંકી દઈને મહારાષ્ટ્રની મહિલા ટૂરિસ્ટોને કહ્યું…

પ્રતીકાત્મક તસવીર

પહલગામમાં બૈસરન વૅલીમાં હિન્દુ ટૂરિસ્ટોની આતંકવાદીઓએ હત્યા કરવાની ઘટના તાજી છે ત્યારે મહારાષ્ટ્રના કુડાળમાં રહેત‌ી ચાર મહિલાઓ સાથે કાશ્મીરના એક ટૅક્સીવાળાએ ખૂબ ખરાબ વર્તન કર્યું હતું એટલું જ નહીં, તે ભારતના લોકો, પોલીસ અને આર્મીને નફરત કરતો હોવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા કુડાળમાં રહેતી પ્રીતિ કદમ તેના પરિવારની ત્રણ મહિલા સાથે ૧૮ એપ્રિલે જમ્મુ-કાશ્મીરની ટૂર પર ગઈ હતી. પહલગામમાં ફરી લીધા બાદ આ મહિલાઓએ બીજા સ્થળે જવા માટે એક ટૅક્સી પકડી હતી. આ ટૅક્સીવાળાએ ઍડ્વાન્સમાં ટૅક્સીનું ભાડું લઈ લીધા બાદ ચારેય મહિલા-ટૂરિસ્ટને રસ્તામાં અધવચ્ચે ઉતારીને તેમનો સામાન ફેંકી દીધો હતો.

આ વિશે પ્રીતિ કદમે કહ્યું હતું કે ‘પહલગામથી અમે ટૅક્સી પકડીને બીજા સ્થળે જઈ રહ્યાં હતાં ત્યારે ટૅક્સીવાળાએ અધવચ્ચે ટૅક્સી ઊભી રાખી દીધી હતી અને અમને ધમકી આપીને કહ્યું કે આપકો અગર કોઈ ગોલી માર દે તો હમે કુછ ભી ફરક નહીં પડતા. મૈં ભારત કે લોગ, પુલિસ ઔર આર્મી કો નફરત કરતા હૂં, હમે સિર્ફ પૈસે સે મતલબ હૈ. ટૅક્સીવાળાના વર્તનથી અમે ખૂબ ગભરાઈ ગયાં હતાં. તેણે ટૅક્સીનું ભાડું પહેલાંથી જ લઈ લીધું હતું. અમને અધવચ્ચે ઉતારી દેવાની સાથે તેણે સામાન ફેંકી દીધો હતો અને પલાયન થઈ ગયો હતો. બીજી ટૅક્સી માટે અમારે ઘણો સમય રસ્તામાં ઊભું રહેવું પડ્યું હતું. સ્થાનિક કાશ્મીરીઓને ભારતના ટૂરિસ્ટોના રૂપિયા જોઈએ છે, પણ તેઓ ભારતના લોકોને નફરત કરે છે એ આ ઘટના પરથી જણાઈ આવ્યું છે. અમે તે ટૅક્સીવાળાનો ફોટો લીધો હતો એ કાશ્મીરની પોલીસને બાદમાં સોંપ્યો હતો અને તેની ધરપકડ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે.’

mumbai news mumbai Pahalgam Terror Attack jammu and kashmir