23 January, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MNSના કલ્યાણ- ડોમ્બિવલીના નેતા રાજુ પાટીલ શિવસેનાના નેતા શ્રીકાંત શિંદે સાથે.
શિવસેના (UBT)એ ગુરુવારે દાવો કર્યો હતો કે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની ચૂંટણીમાં જીતેલા એના ૪ ઉમેદવારોને હરીફ જૂથો દ્વારા તેમની ઇચ્છા વિરુદ્ધ પૂરી રાખવામાં આવ્યા છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પાંચ કૉર્પોરેટરોએ એકનાથ શિંદેની શિવસેનાને ટેકો આપ્યો ત્યારે પાડોશી થાણે જિલ્લામાં KDMCમાં બુધવારે એક નવું રાજકીય સમીકરણ ઊભરી આવ્યું હતું. એનાથી શિંદે જૂથ સાથે ચૂંટણી લડનાર ભારતીય જનતા પાર્ટી (BJP) અને MNS સાથે જોડાણ કરનાર શિવસેના (UBT) મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
૧૫ જાન્યુઆરીએ ૧૨૨ સભ્યોની KDMC માટે યોજાયેલી ચૂંટણીમાં શિવસેનાએ કલ્યાણ-ડોમ્બિવલી નગરપાલિકાની ચૂંટણીમાં ૫૩ બેઠકો જીતી હતી. BJPને ૫૦, શિવસેના (UBT)ને ૧૧, કૉન્ગ્રેસને બે, MNSને પાંચ અને NCP (SP)ને એક બેઠક મળી હતી.
શિવસેના (UBT)ના કલ્યાણ-ડોમ્બિવલી જિલ્લાના વડા અલ્પેશ ભોઈરે જણાવ્યું હતું કે ‘કીર્તિ ધોણે (વૉર્ડ ૧૩), મધુર મ્હાત્રે (વૉર્ડ ૧૩), રાહુલ ખોત (વૉર્ડ ૪) અને સ્વપ્નાલી કેને (વૉર્ડ ૬)ને હરીફ રાજકીય જૂથો દ્વારા તેમની ઇચ્છા વિરુદ્ધ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. અમારી પાસે વિશ્વસનીય માહિતી છે કે આ કૉર્પોરેટરો પક્ષના નેતૃત્વનો સંપર્ક કરીને સ્વતંત્રતાની વિનંતી કરી રહ્યાં છે. અમારાં કૉર્પોરેટરો શહેરના વિકાસના મુદ્દા પર ચૂંટાયાં હતાં અને તેમને અન્ય કોઈ ધ્વજ હેઠળ કામ કરવામાં કોઈ રસ નથી. જો તેઓ નિષ્ઠાપૂર્વક શિંદે જૂથ સાથે છે તો તેમને તેમનાં મંતવ્યો વ્યક્ત કરવા માટે મીડિયા સમક્ષ કેમ લાવવામાં આવ્યાં નથી? અમે ગુમ થયેલી વ્યક્તિઓના કેસ નોંધવા માટે પોલીસનો સંપર્ક કરીશું.’
જો આ ૪ કૉર્પોરેટરોને ટૂંક સમયમાં મીડિયા વગેરે સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તો પાર્ટી રાજ્યના ગૃહવિભાગ અને પોલીસને અપહરણની તપાસ શરૂ કરવા માટે અરજી કરશે એમ અલ્પેશ ભોઈરે વધુમાં જણાવ્યું હતું.
દરમ્યાન, શિવસેના (UBT)નાં સૂત્રોએ આરોપ લગાવ્યો કે એના બાકીના ૭ કૉર્પોરેટરો જેમને કર્જતમાં સલામત સ્થળે રાખવામાં આવ્યા હતા તેમને શિંદેના સમર્થકો ત્યાં પહોંચે એ પહેલાં જ બહાર કાઢવા પડ્યા હતા.
શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની જન્મશતાબ્દીના ઉપલક્ષમાં શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ ઠાકરે આજે બન્ને પક્ષોના કાર્યકરોને એકસાથે ષણ્મુખાનંદ હૉલમાં સંબોધશે. બન્ને ભાઈઓ BMCની ચૂંટણી લડ્યા બાદ પહેલી વાર એકસાથે એક મંચ પર આવી રહ્યા છે. BMCની ચૂંટણીમાં બન્ને ભાઈઓએ સાથે મળીને ઝુકાવ્યું હતું. એમ છતાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેનાને તેઓ હરાવી શક્યા નહોતા. શિવસેના (UBT)ને ૬૫ બેઠક પર જીત મળી હતી, જ્યારે MNSને ૬ બેઠક મળી હતી. જોકે કલ્યાણ-ડોમ્બિવલી કૉર્પોરેશનમાં MNSના કાર્યકરોએ સ્થાનિક સ્તરે એકનાથ શિંદેની શિવસેનાને સપોર્ટ કરતાં બન્ને પાર્ટીના કાર્યકરો અસમંજસમાં પડ્યા હતા. બાળ ઠાકરેની જન્મશતાબ્દી હોવાથી એકનાથ શિંદેની શિવસેનાના કાર્યકરો પણ આજે શિવાજી પાર્ક પર બનાવવામાં આવેલા તેમના સ્મૃતિસ્થળ પર શ્રદ્ધાસુમન અર્પણ કરે એવી શક્યતા છે.