30 June, 2026 08:57 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
કેતન અગ્રવાલ મર્ડર કેસનાં આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
આરોપીઓએ કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે, પણ તેમણે એ કાવતરું ક્યાં ઘડ્યું અને કઈ રીતે એને અંજામ આપ્યો એની તપાસ ચાલુ છે ઃ સરકારી વકીલ
હાલ મીડિયા-ટ્રાયલ ચાલી રહી છે. આ મીડિયા-ટ્રાયલ રોકવાનું કહેવાનું જરૂરી છે. કોર્ટની પહેલાં માહિતી મીડિયા પાસે કઈ રીતે પહોંચી જાય છે? હવે જ્યારે મીડિયામાં બધું દેખાડાઈ રહ્યું છે એટલે તપાસ તો પૂરી થઈ ગઈ છે : સિયા ગોયલના વકીલ વિપુલ દુષ્યંત
પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલના ડેથ કેસમાં તેની ભાવિ પત્ની સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ગઈ કાલે પોલીસ-કસ્ટડી પૂરી થતી હતી એથી તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં ત્યારે સિયાના વકીલ વિપુલ દુષ્યંતે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘આરોપીની ધરપકડ ગેરકાયદે છે. આ પ્રકરણમાં ટેક્નિકલ તપાસ, તપાસ અને રીક્રીએશન કરવામાં આવ્યું છે, હવે પછીની તપાસ ટેક્નિકલ છે. એથી પોલીસ-કસ્ટડીની જરૂર નથી.’
સામે પક્ષે કેસની તપાસ કરી રહેલી પોલીસ અને સરકારી વકીલે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘આરોપીઓએ કાવતરું ઘડ્યું એ જણાઈ આવ્યું છે, પણ ગુનો કઈ રીતે કર્યો એની તપાસ બાકી છે. કાવતરું ક્યાં બેસીને ઘડ્યું એ જાણવાનું બાકી છે. સિયાની જેમ ચેતનને પણ લઈને ક્રાઇમ સીનનું રીક્રીએશન કરવાનું બાકી છે. લોહગડ પર અનેક લાકો સાથે વાતચીત થઈ છે. આ કાવતરામાં બીજા કોણ-કોણ સામેલ છે એ શોધવાનું છે. કેતનનો મોબાઇલ પાછળથી સોંપવામાં આવ્યો છે એની માહિતી રિકવર કરવાની છે. તેણે જે માહિતી છુપાવી છે એ રિકવર કરવાની છે. એ સિવાય કેતનનાં કપડાં પણ હસ્તગત કરવાનાં છે. એથી આરોપીઓને ૭ દિવસની પોલીસ-કસ્ટડી આપવામાં આવે.’
ચેતનના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરતાં કહેવાયું હતું કે ‘ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટમાં ફક્ત બે વાર જ ચેતનનાં નામનો ઉલ્લેખ કરાયો છે. સિયા સતત ચેતનનું નામ લે છે અને છેલ્લે ચેતન સાથે મળી સિયાએ કાવતરું ઘડ્યું બસ એટલું જ. પંચનામું, જપ્તી અને સામે-સામે બેસાડીને કરવાની તપાસ માટે ઑલરેડી ૭ દિવસની કસ્ટડી અપાઈ જ હતી. લોહગડ પર સિયાને લઈ જઈ જે રીતે ક્રાઇમ-સીન રીક્રીએટ કરાયો એમ ચેતન સાથે પણ કરવો છે એમ કહેવાયું છે. તો એના માટે અત્યાર સુધી પૂરતો સમય અપાયો હતો.’
આવા પ્રશ્નો ઊભા કરીને કસ્ટડી ન લંબાવવાની રજૂઆત કરી હતી.
જોકે ત્રણે પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને પાંચ દિવસ (૩ જુલાઈ સુધી) પોલીસ-કસ્ટડી લંબાવી આપી હતી.
લગ્નની ખરીદી માટે કેતન પાસેથી એક કરોડ રૂપિયા લઈને ચેતનને આપી દીધા હતા સિયાએ
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કેતન અગ્રવાલે સિયા ગોયલને લગ્નની તૈયારીઓ માટે એક કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે ખરીદી કરવાને બદલે સિયાએ એ એક કરોડ રૂપિયા તેના પ્રેમી ચેતન ચૌધરીને તેની કરીઅર અને બિઝનેસ એસ્ટૅબ્લિશ કરવા માટે આપી દીધા હતા. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી સિયાએ પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને ફક્ત હત્યાનો પ્લાન જ નહોતો કર્યો, તેમના ફ્યુચરનું પણ યોગ્ય પ્લાનિંગ કર્યું હતું. એમાં તેમના પર કેતનની હત્યાની શંકા ટાળવા માટે કેતનની હત્યા કર્યા બાદ ૩ વર્ષ પછી લગ્ન કરવાની યોજના બનાવી હતી. ચેતન પણ ફાઇનૅન્શિયલી તેમનાથી વીક બૅકગ્રાઉન્ડ ધરાવતો હોવાથી તેણે સિયાને કહ્યું હતું કે તેને આર્થિક રીતે સ્થિર થવા માટે ઓછામાં ઓછાં ૩ વર્ષ લાગશે. આર્થિક રીતે સધ્ધર થયા પછી તેઓ લગ્ન કરવાનાં હતાં. વળી એ દરમ્યાન સિયા પણ તેના પરિવારને ચેતન સાથે લગ્ન કરવા મનાવી લેવાની હતી.
બર્થ-ડે પર કેતન સાથે રૂમ શૅર ન કરવો પડે એટલે આગલા દિવસે જ કેતનને પતાવી દીધો
પોલીસ-તપાસ દરમ્યાન સિયાએ વધુ એક ચોંકાવનારો દાવો કર્યો હતો. ૧૯ જૂને સિયાના બર્થ-ડેની ઉજવણી માટે મહાબળેશ્વરમાં રાતે રોકાવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હોટેલ બુકિંગ પહેલાંથી જ થઈ ગયું હતું. જોકે પોલીસનો દાવો છે કે સિયા કેતન સાથે એક જ રૂમમાં રહેવા માગતી નહોતી. તેણે આ પરિસ્થિતિ ટાળવા માટે પાસપોર્ટ સંતાડીને બાલીમાં પ્રી-વેડિંગ ફોટોશૂટને પણ કૅન્સલ કર્યું હતું અને મહાબળેશ્વરમાં તેનો બર્થ-ડે ઊજવાય એ વખતે પણ સાથે રહેવાનો વારો ન આવે એટલે એના એક દિવસ પહેલાં ૧૮ જૂને જ કેતનની હત્યા કરી હતી.
સિયાએ ચેતનને હત્યા થયાના ૩૫ મિનિટ પહેલાં ફોન કર્યો હતો
આ કેસમાં હવે આરોપી સિયા અને ચેતનના કૉલ રેકૉર્ડ્સ મળ્યા છે જેની સ્ક્રુટિની કરતાં જણાઈ આવ્યું છે કે સિયાએ કેતનની હત્યા કરાઈ એની ૩૫ મિનિટ પહેલાં ચેતનને કૉલ કર્યો હતો. એ વખતે તેમની વચ્ચે શું વાત થઈ એ જાણવાની પોલીસ કોશિશ કરી રહી છે.
સિયાનો ભાઈ સાહિલ શું કહે છે?
સિયાના ભાઈ સાહિલે ગઈ કાલે મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘અમારા વકીલને લઈને કેટલાક ઇશ્યુ છે. આશુતોષ શ્રીવાસ્તવ અમારા વકીલ નથી, અમે તેમને હાયર કર્યા નથી. તેમણે પણ મારી સાથે આ બાબતે કોઈ વાત કરી નથી. મેં જ્યારે તેમની સાથે આ બાબતે વાત કરી ત્યારે તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમે બીજો વકીલ હાયર કર્યો છે. તેણે લૉક-અપમાં જઈ સિયાની સિગ્નેચર લીધી છે. વિપુલ અમારો વકીલ હશે, તેણે એ માટેનું ઍફિડેવિટ પણ કોર્ટમાં દાખલ કર્યું છે.’
જ્યારે સાહિલને સિયાનાં લગ્ન કેતન સાથે નક્કી કરવા બાબતે પૂછાયું ત્યારે તેણે કહ્યું હતું કે ‘મેં મારું સ્ટેટમેન્ટ પોલીસમાં આપી દીધું છે. હવે તમારે જે કોઈ પણ મહિતી જોઈતી હોય તો એ પોલીસ આપશે.’