મુખ્ય સાક્ષીનો દાવો : NCB ક્રુઝ શીપ ડ્રગ કેસમાં નાણાકીય લેવડદેવડમાં સંડોવાયેલી છે, એજન્સીએ વાતને રદિયો આપ્યો

24 October, 2021 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેલે આગળ કહ્યું કે “જ્યારે હું ઉપર ગયો ત્યારે NCB ના અધિકારી સાલેકરે સમીર વાનખેડેના કહેવા પર 10 કોરા કાગળો પર મારી સહીઓ લીધી."

પ્રભાકર સેલ, કે પી ગોસાવી

હવે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે. એક સાક્ષીએ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની માંગણી કરવાનો આરોપ લગાવ્યો છે. સાક્ષીએ દાવો કર્યો છે કે સમગ્ર કેસમાં કરોડો રૂપિયાનો વ્યવહાર થયો છે. આ વ્યક્તિનું નામ પ્રભાકર રાઘોજી સેલ છે, તે 22 જુલાઈ 2021થી કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે. કિરણ ગોસાવી એ જ વ્યક્તિ છે જે રેવ પાર્ટીમાં પકડાયેલા આર્યન ખાનને NCB ઓફિસમાં લઈ જતા જોવા મળ્યો હતો. પ્રભાકર રાઘોજી સેલ આ કેસમાં પંચનામાના હસ્તાક્ષર કરનારાઓમાંનો એક છે.

પ્રભાકરના નિવેદન મુજબ, 2 ઑક્ટોબરના રોજ જ્યારે NCB એ રેવ પાર્ટી પર દરોડો પાડ્યો ત્યારે તે કિરણ ગોસાવી સાથે હતો. પ્રભાકરે કહ્યું કે ‘જ્યારે ગોસાવીએ 10.30 વાગ્યે બોર્ડિંગ એરિયા પર ફોન કર્યો ત્યારે હું ત્યાં પહોંચ્યો હતો. મેં આર્યન ખાન અને મુનમુન ધામેચાને એક કેબિનમાં જોયા હતા. આ પછી બપોરે 12.30 વાગ્યે કિરણ ગોસાવી NCB અધિકારીઓ સાથે સફેદ રંગની ઇનોવા કારમાં આર્યન ખાનને NCB ઓફિસ લઈ આવ્યો હતો. રાત્રે 1 વાગ્યે કિરણ ગોસાવીએ મને NCB ઓફિસની અંદર આવવાનું કહ્યું હતું. તેણે કહ્યું કે મારે આ મામલામાં સાક્ષી બનવું પડશે.”

આ નિવેદનમાં પ્રભાકર રઘોજી સેલે આગળ કહ્યું કે “જ્યારે હું ઉપર ગયો ત્યારે NCB ના અધિકારી સાલેકરે સમીર વાનખેડેના કહેવા પર 10 કોરા કાગળો પર મારી સહીઓ લીધી અને મારી પાસેથી મારા આધાર કાર્ડની વિગતો પણ માંગી હતી.”

સેલે કહ્યું કે “થોડા સમય પછી, કિરણ ગોસાવી NCB ઓફિસથી 500 મીટરના અંતરે સેમ ડિસોઝા નામના વ્યક્તિને મળ્યો હતો. બાદમાં ગોસાવી પોતાની સફેદ ઈનોવા કારમાં નીકળ્યો અને તેની પાછળ સેમ ડિસોઝાની કાર આવી હતી. આ બંને કાર લોઅર પરેલ પુલ પાસે અટકી ગઈ હતી. અમે જતા હતા ત્યારે ગોસાવી સતત સેમ ડિસોઝા સાથે ફોન પર વાત કરતો હતો. ગોસાવીએ કહ્યું કે તમે 25 કરોડનો બોમ્બ મૂક્યો છે, હવે 18 કરોડમાં ફાઈનલ કરો. અમારે સમીર વાનખેડેને પણ 8 કરોડ રૂપિયા આપવાના છે.”

પ્રભાકર રાઘોજી સેલે આ કેસમાં વધુ નામ લીધા હતા. નિવેદનમાં તેણે આગળ કહ્યું કે “થોડી વાર પછી એક વાદળી રંગની મર્સિડીઝ કાર આવી જેમાંથી પૂજા દદલાની નીચે ઊતરી. પૂજા દદલાની, સેમ ડિસોઝા અને ગોસાવી મર્સિડીઝ કારમાં બેસીને વાત કરવા લાગ્યા હતા. 15 મિનિટ પછી બધા ચાલ્યા ગયા. આ પછી, ગોસાવી અને હું મંત્રાલય પહોંચ્યા હતા. ગોસાવી કોઈની સાથે વાત કરતો હતો અને પછી વાશી ગયા હતા. વાશી છોડ્યા બાદ ગોસાવીએ ફરી મને તાડદેવ પાસે જવાનું કહ્યું હતું અને ત્યાંથી 50 લાખ રૂપિયા લેવા કહ્યું હતું. ત્યાર બાદ ત્યાં એક સફેદ રંગની કાર નંબર 5102 આવી, જેની પાસેથી મેં ૫૦ લાખ રૂપિયા મેળવ્યા અને હું આ પૈસા વાશી લઈ ગયો અને ગોસાવીને આપ્યા હતા.

આ નિવેદનમાં પ્રભાકરે વધુમાં કહ્યું કે, `આગલી સાંજે ગોસાવીએ મને વાશી બોલાવ્યો હતો અને મને પૈસા ભરેલી બેગ આપી અને સેમ ડિસોઝાને આપવા કહ્યું હતું. સાંજે 6.15 વાગ્યે સેમ ડિસોઝાએ મને હોટેલ ટ્રાઇડેન્ટમાં બોલાવ્યો જ્યાં મેં પૈસા ભરેલી બેગ તેને આપી હતી.”

સેલે દાવો કર્યો હતો કે તેના જીવને જોખમ છે. તેણે ઉમેર્યું કે “કે.પી. ગોસાવી અત્યારે ગુમ છે અને મને ડર છે કે મારી હત્યા અથવા અપહરણ થઈ શકે છે. જેમ મોટા કેસોમાં જોવા મળે છે તે મુજબ, સાક્ષીઓની ઘણી વખત હત્યા કરવામાં આવે છે અથવા તેમનું અપહરણ કરવામાં આવે છે. તેથી, હું સત્ય જણાવવા માંગતો હતો.”

ઉલ્લેખનીય છે કે જ્યારે મિડ-ડેએ વાનખેડેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને આ બેઠક વિશે કોઈ જાણકારી નથી અને આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે તો કોઈની પાસેથી પૈસા લેવાનો પ્રશ્ન કેવી રીતે ઊભો થઈ શકે? “હું તમામ આરોપોને સંપૂર્ણપણે નકારું છું.” વાનખેડેએ મિડ-ડેને કહ્યું હતું.

mumbai mumbai news aryan khan Narcotics Control Bureau Shah Rukh Khan