05 February, 2025 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્કૂટી સવાર આરોપીએ શિવકુમારને માથામાં પોતાની હેલ્મેટ ચાર-પાંચ વાર ફટકારી હતી.
ખારઘરમાં રવિવારે રાત્રે ઓવરટેક કેમ કર્યો એ બાબતે થયેલી મામૂલી ચણભણમાં વાત વણસી જતાં સ્કૂટી ચલાવનાર યુવાને ઉશ્કેરાઈને બાઇકસવારને માથામાં હેલ્મેટ મારતાં બાઇકસવાર ગંભીર રીતે જખમી થયો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ સંદર્ભે ખારઘર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ૧૫ ટીમ હવે એ હત્યા કરી નાસી છૂટનાર સ્કૂટી સવાર અને તેના સાગરીતને પકડવા દોડધામ કરી રહી છે.
ઓવરટેકિંગની આ ઘટના રવિવારે રાતે ૮.૩૦ વાગ્યે નવી ખારઘરના બેલપાડા રોડ પર ઉત્સવ સર્કલ પાસે બની હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. કેસની વધુ માહિતી આપતાં ખારઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દીપક સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના સમયે આરોપી તેના સાથી સાથે સ્કૂટી પર જઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી બાઇક પર જઈ રહેલો ૪૫ વર્ષના શિવકુમાર શર્મા તેને ઓવરટેક કરીને આગળ નીકળી જતાં આરોપી ભડક્યો હતો અને તેણે આગળ જઈને શિવકુમાર શર્માને રોક્યો હતો અને તેના સ્કૂટીને ઓવરટેક કેમ કર્યું એમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. બન્ને વચ્ચે મચમચ થઈ હતી અને એ પછી વાત વણસી જતાં ઝપાઝપી થઈ હતી. એ પછી આરોપીએ પોતાની હેલ્મેટ શિવકુમારને માથામાં મારવા માંડી હતી, જેના કારણે શિવકુમારને ગંભીર ઈજા થઈ હતી. એ પછી લીલો કુરતો અને પાયજામો પહેરેલો આરોપી અને કાળો કુરતો અને પાયજામો પહેરેલો તેનો સાથી ત્યાંથી સ્કૂટી લઈને નાસી ગયા હતા. શિવકુમાર ત્યાર બાદ બાઇક પર ખારઘર પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં તે ફરિયાદ લખાવી રહ્યો હતો ત્યારે જ બેભાન થઈ જતાં પોલીસ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. શિવકુમાર મૂળ પંજાબનો છે. તેને એક મહિના પહેલાં જ અહીં પ્રોડક્શન મૅનેજરની જૉબ મળી હતી. અહીં તે એકલો જ રહેતો હતો. તેનો પરિવાર પંજાબમાં રહે છે. અમે આરોપીઓને પકડવા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તેમની શોધ ચલાવી રહ્યા છીએ. તેમને શોધવા અમારી ૧૫ ટીમ મહેનત કરી રહી છે.’