શૅરબજારમાં અને IPOમાં રોકાણના નામે ૧ મહિનામાં પડાવી લેવાયા ૬.૪૩ કરોડ રૂપિયા

21 May, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખારઘરના ૬૧ વર્ષના નિવૃત્તને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ ભારે પડી, પોલીસે ૧ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝનને શૅરબજાર અને ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને સાઇબર ભેજાબાજોએ તેમની પાસેથી એક મહિનામાં ૬.૪૩ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે નવી મુંબઈના સાઇબર પોલીસ સેલે સોમવારે અજાણ્યા સાઇબર ગઠિયાઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કરોડો રૂપિયાની આ છેતરપિંડીની પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને ૬ વિવિધ અકાઉન્ટ ફ્રીઝ કરીને ગઈ કાલ સુધીમાં એક કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધા છે. બીજી તરફ પોલીસે આ રૅકેટના મૂળ સુધી પહોંચવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

શું હતો ઘટનાક્રમ?
નવી મુંબઈ સાઇબર સેલના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખારઘરમાં રહેતા ફરિયાદીનો ૨૦ એપ્રિલે સોશ્યલ મીડિયા પર અને ત્યાર બાદ મોબાઇલ ફોન દ્વારા એક માણસે સંપર્ક સાધ્યો હતો. સાઇબર ગઠિયાએ પોતાની ઓળખ શૅરબજારના મોટા એક્સપર્ટ તરીકે આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે ફારલોન કૅપિટલ એશિયા PTE લિમિટેડ નામની કંપનીનું સિક્યૅરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) દ્વારા પ્રમાણિત નકલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. આ જ કંપનીનો IPO આવવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ નકલી દસ્તાવેજો જોઈને ફરિયાદીને રોકાણ સુરક્ષિત હોવાનો ભરોસો બેઠો હતો અને તેઓ ઠગોની જાળમાં ફસાતા ગયા હતા. ત્યાર બાદ સાઇબર ગઠિયાઓએ તેમને અલગ-અલગ બૅન્ક-ખાતાંમાં મોટી રકમો જમા કરાવવા જણાવ્યું હતું. આ આખી પ્રક્રિયા સાચી લાગે એ માટે સાઇબર ગઠિયાએ તેમને મોબાઇલમાં ‘ફારલોન’ નામની એક નકલી ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેમાં તેમનું રોકાણ અને એના પર મળતો નફો ડિજિટલ સ્ક્રીન પર દેખાતો હતો. એક તબક્કે આ ઍપ પર તેમને મોટો નફો બતાવાતો હતો. જોકે ૧૬ મેએ તેમણે આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પૈસા નીકળ્યા નહોતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.’

mumbai news mumbai kharghar stock market share market cyber crime mumbai police