કિલર ખાડાનો સ્ટ્રેચ હતો રામભરોસે

19 August, 2022 09:20 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

બોરીવલીમાંના ફ્લાયઓવરમાં બેનો જીવ લઈ લેનાર ખાડાના સ્ટ્રેચને સ્ક્રૅપિંગ કર્યા પછી તો સાવ નોધારો જ છોડી દેવામાં આવ્યો હતો

મલાડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેમાં પવનવાડી ખાતેનો ખાડો (તસવીર : પ્રદીપ ધિવાર)

મુંબઈમાં ખાડામુક્ત રસ્તા માટે લડત ચલાવી રહેલા ઍક્ટિવિસ્ટ્સે આક્ષેપ કર્યો છે કે બાઇક સ્લિપ થઈ જવાથી જ્યાં કપલનાં કરુણ મોત થયાં એ બોરીવલીના એસજીએનપી નજીકના ફ્લાયઓવરની સપાટી સ્ક્રૅપ કરાઈ હતી અને છેલ્લા ત્રણ મહિનાથી એને રીસર્ફેસ કરાઈ નહોતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરનારા પ્રવાસીઓએ ટોલ ઑપરેટર મુંબઈ એન્ટ્રી પૉઇન્ટ લિમિટેડ પર ફ્લાયઓવરના મેઇન્ટેનન્સમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

બુધવારે એક દંપતી ઉબડખાબડ રસ્તાને કારણે પડી જતાં તેમના પર એક ડમ્પર ફરી વળ્યું હતું. આ દુર્ઘટના બાદ ઘણા નાગરિકોએ સોશ્યલ મીડિયા પર તેમનો રોષ ઠાલવ્યો હતો અને ટોલ ઑપરેટર દ્વારા મેઇન્ટેઇન કરાતા ફ્લાયઓવર પર રોડની કંગાળ હાલત માટે એમએસઆરડીસીની ઝાટકણી કાઢી હતી.

ગુરુવારે સવારે ‘મિડ-ડે’એ ગોરેગામ અને દહિસર ટોલપ્લાઝાની વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની મુસાફરી કરી હતી, જેમાં પઠાણવાડી અન્ડરપાસ પરથી પસાર થતો ઉત્તર તરફનો રોડ ખાડાથી ભરેલો છે, જે ખાસ કરીને ટૂ-વ્હીલર રાઇડર્સ માટે જોખમરૂપ બની શકે છે.

આ પણ વાંચો : બોરીવલીમાં ખાડાએ લીધો દંપતીનો ભોગ

આ મામલે આમ આદમી પાર્ટીના મુંબઈના વાઇસ પ્રેસિડન્ટ ગોપાલ ઝવેરીએ ખાડાને કારણે દંપતીના થયેલા મોત બદલ ફ્લાયઓવર્સ અને રોડના મેઇન્ટેનન્સની જવાબદારી ધરાવતી એજન્સી સહિતના તમામ અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરી હતી.

mumbai mumbai news