મનસુખ હિરણની હત્યા કેવી રીતે કરવામાં આવી એની હાડકાં કંપાવનારી સિલસિલાબદ્ધ વિગતો

14 September, 2021 02:43 PM IST  |  Mumbai | Faizan Khan

એનઆઇએએ દાખલ કરેલી ૧૦૦૦ પાનાંની ચાર્જશીટમાં ખુલ્યા રહસ્યો. આરોપીઓએ મનસુખને પાર્સલ નામનું કોડનેમ આપ્યું હતું. તે મૃત્યુ પહેલાં પંદર મિનિટ તરફડ્યો હતો

મનસુખ હિરણ

મનસુખ હિરણની હત્યાની તપાસ બાદ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓએ તૈયાર કરેલી ૧૦૦૦ પાનાંની ચાર્જશીટમાં ગુનાની ભૂમિકા વિશે, હત્યારાઓ વિશે અને હત્યા વિશે સિલસિલાવાર હાડકાં કંપાવનારી વિગતો આપવામાં આવી છે. એક જમાનાના એન્કાઉન્ટર-સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માએ જે ચાર જણને હત્યા માટે પસંદ કર્યા હતા તેમણે મનસુખને મજબૂત રીતે પકડી રાખ્યો હતો અને ગૂંગળાવ્યો હતો. મનસુખ ૧૫-૨૦ મિનિટ સુધી તરફડ્યા બાદ મરી ગયો ત્યારે એ ચાર જણે તેનો મૃતદેહ થાણેની ખાડીમાં ફેંકી દીધો હતો. ત્યાર પછી ત્યાંથી નીકળીને થાણે-ભિવંડી હાઇવે પર કાઠિયાવાડી ઢાબામાં જમવા ગયા હતા. તેમણે મનસુખ હિરણને ‘પાર્સલ’ નામ આપ્યું હતું. રાતે ૧૦.૩૦ વાગ્યે એ પાર્સલ ટવેરા કારમાંથી બહાર કાઢીને કશેળી બ્રિજ પરથી થાણેની ખાડીમાં ફેંકી દીધું હતું અને ત્યાર પછી ઠંડે કલેજે ઢાબામાં બેસીને જમ્યા હતા.

પ્રદીપ શર્માના વિશ્વાસુ સાથી અને ચાર હત્યારાઓમાંથી એક સંતોષ શેલારે એનઆઇએના અધિકારીઓને મનસુખ હિરણનું અપહરણ કરીને ટવેરા કારમાં તેની હત્યા કરીને ખાડીમાં ફેંકી દેવા સુધી રૂટ અને કાર્યપદ્ધતિ સહિત સમગ્ર કાર્યવાહીની માહિતી આપી હતી. સંતોષ શેલારે એનઆઇએના અધિકારીઓને જણાવ્યું હતું કે ‘મેં મારા સાથીઓને કહી દીધું હતું કે ‘પાર્સલ’ને ઘોડબંદર પહોંચાડાશે. ૪ માર્ચે સાંજે ૭.૩૦ વાગ્યે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી પાસે આનંદ જાધવ, સતીશ મોથુકેરી ઉર્ફે ટન્ની અને હું લાલ રંગની ટવેરા કારમાં બેઠા હતા. મનીષ સોની કાર ડ્રાઇવ કરતો હતો. હું સોનીની બાજુમાં બેઠો હતો અને આનંદ તથા સતીશ કારની પાછલી સીટ પર બેઠા હતા. અમે થાણેના માર્ગે ઘોડબંદર તરફ આગળ વધતા હતા ત્યારે રાતે લગભગ આઠેક વાગ્યે મેં એક માણસને ‘પાર્સલ’ કરવા માટે સતીશને ચાર-પાંચ રૂમાલ અને એક હૂડી કૅપ આપી હતી.’

સંતોષ શેલારે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે ઘોડબંદર રોડની ફાઉન્ટન હોટેલ પાસે પહોંચ્યા ત્યારે પંદરેક મિનિટ રાહ જોતાં કાર ઊભી રાખી હતી. એ વખતે સતીશ મોથુકેરી ટવેરા કારની સાવ પાછલી હરોળની સીટ પર ગયો અને હું આગલી સીટ પરથી ઊઠીને વચલી હરોળની સીટ પર આનંદ સાથે બેઠો હતો. ત્યાર પછી એક સફેદ કાર બાજુમાં ઊભી રહી હતી. એમાંથી ‘પાર્સલ’ (મનસુખ હિરણ) ઊતર્યો અને અમારી ટવેરા કારમાં બેઠો હતો. ત્યાર પછી સફેદ કાર ત્યાંથી રવાના થઈ હતી. મનસુખ આવ્યો એ પછી તેને મારી અને આનંદની વચ્ચે બેસાડ્યો હતો.’

સતીશ મોથુકેરીએ પંચ સમક્ષ એનઆઇએના અધિકારીઓને જણાવ્યું હતું કે ‘ત્યાર પછી સંતોષે ઇશારો કરતાં કારને સીધી ‘લોકેશન’ તરફ દોડાવવામાં આવી હતી. કાર દોડવા માંડતાં મેં હાથરૂમાલ વડે મનસુખના મોઢા અને નાક પર દબાણ વધાર્યું હતું. મનસુખની ડાબી અને જમણી બાજુ બેઠેલા સંતોષ અને આનંદે તેના હાથ પકડી રાખ્યા હતા. તેણે છટકવાની કોશિશ કરી હતી, પરંતુ તેને ૧૫-૨૦ મિનિટ પકડી રાખ્યો અને ગૂંગળાવ્યા પછી એ ‘પાર્સલ’ બેભાન થઈ ગયો હતો. મનીષ સોની લાલ ટવેરા કારને કશેળી બ્રિજ તરફ દોડાવતો હતો. અમે ૧૦.૩૦ વાગ્યે કશેળી બ્રિજ પહોંચ્યા હતા. ત્યાં નીચે ઊતરીને આજુબાજુ જોયું હતું. કોઈ ન દેખાયું એટલે ‘પાર્સલ’ને બહાર કાઢીને થાણેની ખાડીમાં ફેંકી દીધું હતું. એ કામ પૂરું થયા પછી અમે થાણે-ભિવંડી હાઇવે પર કાઠિયાવાડી ઢાબામાં જમ્યા હતા. જમવાનું બિલ સંતોષે ચૂકવ્યું હતું.’

mumbai mumbai news suv mumbai police faizan khan