પાલઘર પોલીસે કરી‍ કિરણ ગોસાવીની ધરપકડ, સાતમી ડિસેમ્બર સુધી કસ્ટડીમાં

03 December, 2021 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેળવે પોલીસે કિરણ ગોસાવી સામે છેતરપિંડી, બનાવટ, આઇપીસીના વિશ્વાસભંગ બદલ એફઆઇઆર નોંધ્યો હતો

કિરણ ગોસાવી

પાલઘરના ન્યાયિક મૅજિસ્ટ્રેટ એ. એ. કાળેએ ગઈ કાલે કિરણ ગોસાવીને ૭ ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે. કેળવે કોસ્ટલ પોલીસ દ્વારા બુધવારે પુણેના ભોસરથી છેતરપિંડીના એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એમાં તેણે નકલી નોકરીના રૅકેટમાં બે યુવાનને છેતર્યા હતા. 
કેળવે પોલીસે કિરણ ગોસાવી સામે છેતરપિંડી, બનાવટ, આઇપીસીના વિશ્વાસભંગ બદલ એફઆઇઆર નોંધ્યો હતો. કિરણ ગોસાવી સ્વ-સ્ટાઇલ ખાનગી જાસૂસ અને એનસીબીના સ્વતંત્ર સાક્ષી છે. તે બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે વાઇરલ સેલ્ફીમાં જોવા મળ્યો હતો. બીજી ઑક્ટોબરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. 
૨૦૧૮ના ડિસેમ્બરમાં કિરણ ગોસાવીએ પાલઘરના એડવન ગામના બે યુવકો સાથે મલેશિયાના હોટેલ ઉદ્યોગના ક્વાલા લમ્પુરમાં નોકરી અપાવવાની લાલચમાં છેતરપિંડી કરી હતી. કેળવે પોલીસને અગાઉ ફરિયાદ મળી હતી, પરંતુ કિરણ સામે કોઈ એફઆઇઆર નોંધવામાં આવ્યો નહોતો, પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી આખરે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. આ લોકોને બૅન્ગકૉક જવા માટે નકલી પ્રવાસી વીઝા અને ફ્લાઇટની ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ ૨૦૧૮ના ડિસેમ્બરમાં કોચી ઍરપોર્ટ પર સીઆઇએસએફ દ્વારા તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. 
એનસીબીએ આર્યન ખાનના 
કેસમાં કિરણ ગોસાવીનું સાક્ષી તરીકે નામ આપ્યું હતું. કિરણ ગોસાવીએ અનેક યુવાનો સાથે છેતરપિંડી કરી તેમને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે અને તેની સામે મહારાષ્ટ્રનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ ચાર એફઆઇઆર નોંધાયા છે. કેળવે પોલીસે કિરણ ગોસાવી વિરુદ્ધ પાંચમો એફઆઇઆર નોંધ્યો છે. 

mumbai mumbai news