શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ આ નેતાની પત્નીએ કરી માનહાનિની ​​ફરિયાદ

19 May, 2022 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ ફરિયાદમાં કહ્યું છે કે મીડિયા સામે આપવામાં આવેલા આરોપીઓના નિવેદનો બદનક્ષીભર્યા છે. સામાન્ય લોકોની સામે તેમની છબી ખરાબ કરવા માટે નિવેદનો આપવામાં આવ્યા છે.

સંજય રાઉત

મુંબઈ: બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ બુધવારે કોર્ટમાં શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)વિરુદ્ધ ફોજદારી માનહાનિની ​​ફરિયાદ (Defamation Case)દાખલ કરી છે. રાઉતે તેમના પર 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મેધાએ સેવરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરેલી તેણીની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાઉતના આરોપો, જે ગયા મહિને લગાવવામાં આવ્યા હતા, તે પાયાવિહોણા અને બદનક્ષીભર્યા હતા.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ સોમૈયાની પત્નીએ કહ્યું કે તે 15 અને 16 એપ્રિલના સમાચાર જોઈને ચોંકી ગઈ હતી જેમાં રાઉતે મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્રમાં કેટલાક જાહેર શૌચાલયોના નિર્માણ અને જાળવણીમાં તેના અને તેના પતિ પર 100 કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. 

ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મીડિયા સામે આપવામાં આવેલા આરોપીઓના નિવેદનો બદનક્ષીભર્યા છે. સામાન્ય લોકોની સામે તેમની છબી ખરાબ કરવા માટે નિવેદનો આપવામાં આવ્યા છે. મેધા સોમૈયાએ કોર્ટને વિનંતી કરી હતી કે રાઉતને નોટિસ જારી કરવામાં આવે અને તેમની સામે માનહાનિની ​​કાર્યવાહી શરૂ કરવામાં આવે.

mumbai news maharashtra sanjay raut kirit somaiya