20 January, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભિવંડીમાં બે હરીફ પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ દરમિયાન બે પોલીસ-કર્મચારીઓ સહિત છ જણ ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. રવિવારે મોડી રાત્રે થયેલી મારામારી દરમિયાન કહેવાય છે કે સ્થાનિક કોણાર્ક વિકાસ આઘાડી (KVA)ના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઑફિસ પર પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી, જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
હાલમાં થયેલી ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ પછીના ટેન્શનને કારણે KVA અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે શિવાજી ચોકમાં છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં લોકો પથ્થરમારો કરતા અને ભીડને વિખેરવા માટે પોલીસ દરમિયાનગીરી કરતી જોવા મળી હતી.
BJPના વિધાનસભ્ય મહેશ ચૌગુલેએ આરોપ લગાવ્યો હતો કે ‘આ અમારા હરીફો દ્વારા પાર્ટી-ઑફિસ પર અને કાર્યકર્તાઓ પર ખૂની હુમલો હતો. તેમણે મારા નિવાસસ્થાને છાપો મારવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઘટના દરમિયાન કેટલાક લોકોએ પોલીસ- કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી.’
જોકે સામે પક્ષે KVAના વિલાસ પાટીલે એ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે હિંસા શરૂ કરનારા BJPના કાર્યકરો હતા અને KVAના કાર્યકરો ભોગ બન્યા હતા.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-II) શશિકાંત બોરાટે જણાવ્યું હતું કે ‘એક પોલીસ-અધિકારી, એક કૉન્સ્ટેબલ અને ચાર રાજકીય કાર્યકરો આ ઘટનામાં ઘાયલ થયા હતા. તેમને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. રમખાણ વધુ વણસતાં અટકાવવા માટે ભારે સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નિઝામપુરા પોલીસે આ ઘટના સંદર્ભે કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ કરી હતી.’
૯૦ સભ્યોની ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૧૫ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં કૉન્ગ્રેસને સૌથી વધુ ૩૦ બેઠકો, BJPને બાવીસ બેઠકો તથા KVAને માત્ર ૪ બેઠકો મેળી હતી.
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને શરદ પવારની NCP (SP)ને ૧૨-૧૨ બેઠકો, સમાજવાદી પાર્ટીને ૬, ભિવંડી વિકાસ આઘાડી (એકતા મંચ)ને ૩ બેઠકો, જ્યારે એક અપક્ષને પણ બેઠક મળી હતી.