10 June, 2026 07:10 AM IST | Mumbai | Mehul Jethva
AI ઇમેજ
કિંગ્સ સર્કલ નજીક રહેતાં ૬૦ વર્ષનાં કચ્છી મહિલા પાસેથી શૅરમાર્કેટમાં રોકાણના નામે ૨,૨૦,૬૦,૪૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે સેન્ટ્રલ ઝોન સાઇબર સેલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ગઠિયાઓએ નકલી ટ્રેડિંગ ઍપ્લિકેશન અને વૉટ્સઍપ ગ્રુપ દ્વારા મહિલા તેમ જ તેમના પુત્રને જાળમાં ફસાવીને ૧ માર્ચથી મે મહિનાના અંત સુધીમાં વિવિધ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ રોકાણ બાદ નકલી ઍપ્લિકેશનની સ્ક્રીન પર મહિલાના ખાતામાં ૧૧ કરોડ અને તેના પુત્રના ખાતામાં ૧૦ કરોડ રૂપિયાનો નફો જમા થયેલો દેખાતો હતો. જોકે જ્યારે મહિલાએ પોતાના પુત્રના ખાતામાંથી આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઍપમાંથી પૈસા નીકળ્યા નહોતા. ત્યાર બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.
શું હતો ઘટનાક્રમ?
કિંગ્સ સર્કલ વિસ્તારમાં રહેતાં ૬૦ વર્ષનાં કચ્છી મહિલાને ૧ માર્ચે ‘Quantifying Wealth Trends’ નામના એક વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યાં હતાં, જ્યાં પ્રોફેસર એસ.પી. કોઠારી દ્વારા શૅર-ટ્રેડિંગની માહિતી આપવામાં આવતી હતી. આ ગ્રુપના અન્ય એક સભ્ય ‘સિનિયર એસ.પી. કોટ્ટીકાસ બ્રોકર’એ મહિલાનો સંપર્ક કરી પોતાની ઓળખ ‘GSA CAP’ કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી. તેમણે મોકલેલી એક લિન્ક દ્વારા ફરિયાદી મહિલા પાસે ટ્રેડિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી એમાં ફરિયાદી મહિલા અને તેના પુત્રનાં નામે વર્ચ્યુઅલ ટ્રેડિંગ ખાતાં ખોલાવ્યાં હતાં.
શરૂઆતમાં મહિલાએ ૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું જે ઍપ્લિકેશન પર નફા સાથે ૫,૦૦,૦૦૦ રૂપિયા દેખાતું હતું. આ આભાસી નફો જોઈને ફરિયાદી મહિલાનો વિશ્વાસ જીતી લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ સાઇબર ગઠિયાઓએ કરોડો રૂપિયાના નફાવાળા ત્રણથી ૪ મોટા IPO અલૉટ થયા હોવાનું નાટક કર્યું અને જો IPOના પૈસા નહીં ભરો તો જૂના રોકાણના પૈસા ડૂબી જશે એવી ધમકી આપીને અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં કુલ ૨,૨૦,૬૦,૪૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
રોકાણ કર્યા બાદ નકલી ઍપ્લિકેશનની વર્ચ્યુઅલ સ્ક્રીન પર મહિલાના ખાતામાં ૧૧ કરોડ રૂપિયા અને તેના પુત્રના ખાતામાં ૧૦ કરોડ રૂપિયા જમા થયેલા દેખાડવામાં આવ્યા હતા.
જ્યારે મહિલાએ તેના પુત્રના ખાતામાંથી ૧૦ કરોડ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પૈસા વિધડ્રૉ થયા નહોતા. ત્યાર બાદ ગ્રુપના સભ્યનો સંપર્ક કરવામાં આવતાં તેઓએ બહાનું બનાવ્યું કે તમારો સિરિયલ નંબર પાછળ છે અને જો વહેલા પૈસા જોઈતા હોય તો વધુ ૧૫ લાખ ભરીને ‘VIP મેમ્બરશિપ’ લેવી પડશે.
વારંવાર વધુ નાણાંની માગણી થતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેણે આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ જે બૅન્ક-ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે એ તમામ અકાઉન્ટ ફ્રીઝ કરી લેવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે આરોપી સુધી પહોંચવા આગળની તપાસ હાથ ધરી છે