આયુષ્માન કાર્ડ બનાવવા નીકળેલા કચ્છી યુવાનનું આયુષ્ય જ પૂરું થઈ ગયું

26 April, 2024 07:33 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ઍક્ટિવા ​સ્કિડ થવાથી ૩૦ વર્ષનો મિતેશ નાગડા રસ્તા પર પટકાયો અને પાછળથી આવી રહેલી ટ્રકનું પૈડું તેના માથા પરથી ફરી વળ્યું

મિતેશ નાગડા

થાણેના માજીવાડા જંક્શન પાસે આવેલી નર્સરી સામે ગઈ કાલે સાંજે થયેલા એક અકસ્માતમાં ૩૦ વર્ષના કચ્છી યુવાન મિતેશ નાગડાનું કરુણ મૃત્યુ થયું હતું. તેનું ઍક્ટિવા ​સ્કિડ થવાથી તે રસ્તા પર પટકાયો હતો અને એ વખતે પાછળથી આવી રહેલી ટ્રકનું પૈડું તેના માથા પરથી ફરી જતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં આ બદલ નોંધ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા મિતેશ નાગડાના માસીના દીકરા ​જિતેન્દ્ર છાડવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મિતેશ તેના પપ્પા નીલેશભાઈ સાથે થાણેની મેઇન માર્કેટમાં આવેલી મસાલાની દુકાન સંભાળે છે. ગઈ કાલે સાંજે તે દુકાનથી રામમં​દિર રોડ પર કોઈ જગ્યાએ આયુષ્માન કાર્ડ કરાવવા નીકળ્યો હતો. જોકે એ પછી તે માજીવાડા શા માટે ગયો એની અમને જાણ નથી. અમને મળેલી માહિતી મુજબ તેનું ઍક્ટિવા સ્કિડ થઈ ગયું હતું અને એ વખતે પાછળથી આવતી ટ્રકનું પૈડું તેના પરથી ફરી વળ્યું હતું. અમને અકસ્માતની જાણ થતાં અમે કાપુરબાવડી પોલીસ-સ્ટેશન દોડી ગયા હતા. તેના પરિવાર પર શોકની છાયા પ્રસરી ગઈ છે. તેના પરિવારમાં માતા-પિતા અને બે પ​રિણીત બહેનો છે. બે વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયાં હતાં. હાલ તેની મમ્મીને તેના મૃત્યુની જાણ કરી નથી.’   

thane gujaratis of mumbai gujarati community news mumbai mumbai news bakulesh trivedi