22 March, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડમાં આવેલો હેરિટેજ લક્ષ્મી વિલાસ બંગલો ૨૭૬ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્વતંત્રતાની લડત વખતે ૧૯૪૦માં મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારત છોડી જવાનું આંદોલન કર્યું હતું ત્યારે અનેક સ્વતંત્રતા સેનાની લક્ષ્મી વિલાસ બંગલોમાં છુપાયા હતા. આ બંગલો એ સમયે સ્વતંત્રતાની ચળવળનું કેન્દ્ર રહ્યો હતો.
બંગલાનું વેચાણ કરવા બાબતનાં ડૉક્યુમેન્ટ્સ મુજબ કાપડિયા ફૅમિલીએ ૧૯,૮૯૧ ચોરસ ફીટનો આ બંગલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલ મેસવાનીનાં પત્ની એલિના મેસવાની જે કંપનીના ડિરેક્ટર છે એ વાગેશ્વરી પ્રૉપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને વેચ્યો હોવાનું જણાઈ આવ્યું છે. ટ્રાન્સફર ડીડ આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ થયું હતું. દરિયા કિનારા નજીક આવેલા લક્ષ્મી વિલાસ બંગલામાં ત્રિકમદાસ કાપડિયા સહિત ૧૫ લોકોનાં નામ હતાં. ૨૨૨૧ ચોરસ યાર્ડમાં ફેલાયેલા બંગલાની પ્રૉપર્ટીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો સમાવેશ થાય છે. કાપડિયા પરિવારે આ બંગલો ૧૯૧૭માં ૧.૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બંગલામાં ૪૫,૦૦૦ ચોરસ ફીટનું બિલ્ટઅપ બાંધકામ થઈ શકે એમ છે.