27 September, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગિરગામ ચોપાટી પર ૨૧ કલાકની યાત્રા પછી સવારે ૧૦.૪૬ વાગ્યે લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન થયું હતું. તસવીરો ઃ સતેજ શિંદે
હું અને મારા જેવા હજારો લાલબાગવાસીઓ શુક્રવારની સવારથી વિષાદમાં ઘેરાયેલા છીએ, કારણ કે લાલબાગચા રાજા અને મુંબઈચા રાજા બન્ને અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા હતા. ત્યારે ઘણા ભાવિકોની આંખમાં આંસુ તગતગતાં મેં જોયાં છે. રસ્તા પર ચારે બાજુ ગુલાલ વેરાયેલો હતો.
ભલે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કે રોબોટિક સાયન્સના જમાનામાં જીવતા હોઈએ, પણ લાલબાગમાં ઊભરાતો શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. મુંબઈ અને બહારગામથી આવેલા લાખો યુવાનો વિસર્જનનાં દર્શન કરવા આવ્યા હતા. નાચતા-ગાતા, નારા લગાવતા, ઉન્માદમાં ઊભરાતી યંગ જનરેશનને થોડાક કલાકો માટે જગત ભૂલીને બાપ્પામય થઈ જતી જોવી એ પણ લહાવો છે.
અંગ્રેજોના સમયે કુંવરજી બાપા નામના કચ્છી નગરસેવકે લાલબાગચા રાજાની સ્થાપના સાથીદારો સાથે કરી. માર્કેટ બનાવવા અંગ્રેજો સામે કરેલો કેસ જીતી જશે તો ગણપતિબાપ્પાની સ્થાપના કરશે એવી માનતા કુંવરજી બાપાએ કરેલી અને ચમત્કાર થયો હોય એમ અશક્ય લાગતો કેસ અંગ્રેજો સામે જીતીને લાલબાગચા રાજાની સ્થાપના કરી. તેમની સફળતા બદલ લાલબાગ માર્કેટનું નામ કુંવરજી બાપા મંડઈ રાખવામાં આવ્યું છે.
ગણપતિની મૂર્તિઓનું સૌથી મોટું માર્કેટ લાલબાગ-પરેલમાં હોવાથી જુલાઈ મહિનાથી મૂર્તિઓ અહીંથી વાજતે-ગાજતે ગુજરાત-મહારાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ લઈ જવામાં આવતી હતી. દર રવિવારે એટલે જુલાઈથી જ બાપ્પાને વધાવતા, શ્રદ્ધાપૂર્વક નાચતા-ગાતા ભાવિકોથી લાલબાગનું વાતાવરણ ભક્તિમય બનવા લાગ્યું હતું એટલું જ નહીં, સજાવટનું મુખ્ય માર્કેટ પણ લાલબાગમાં હોવાથી રસ્તાઓ ઘણા દિવસોથી ભક્તોની ભીડથી ઊભરાતા હતા. છેલ્લા ૪ રવિવારે મૂર્તિ લઈ જતા ભક્તોની એટલી બધી ભીડ હતી કે ધક્કામુક્કીમાં ભક્તોનાં પડી ગયેલાં ચંપલોથી દર રવિવારે રાતે એક ટેમ્પો ભરાઈ જતો હતો.
આ આખા ઉત્સવમાં BMCના
સફાઈ-કામદારોએ લાલબાગના લોકોનાં દિલ જીતી લીધાં છે. સતત ૨૪ કલાક ડ્યુટી કરીને કામદારોએ આખા લાલબાગને ચોખ્ખું રાખવાનું કપરું કામ કર્યું છે.
લાલબાગચા રાજા માટે ઊભરાયેલી માનવભીડમાં શરૂઆતમાં બે યુવાનોનાં
હાર્ટ-અટૅકમાં અવસાન થયાં અને ગુરુવારે રાતે લાલબાગના વેપારી વિજયભાઉ અણેકરનું પણ હાર્ટ-અટૅકમાં અવસાન થતાં મારું દિલ ખિન્નતા અનુભવે છે. બાપ્પાનાં ચરણોમાં ૩ ભક્તોનાં અવસાન છતાં રોજ લાખોના હિસાબે આવતા ભક્તોની મેદનીમાં કોઈ ભેદી શુભ તત્ત્વનો અનુભવ થાય છે.
શુક્રવારે સાંજે ગણેશગલીના મુંબઈચા રાજાની મૂર્તિનું ૯૯મા વર્ષે ચોપાટી પર વિસર્જન થયું અને શનિવારે સવારે લાલબાગચા રાજાની મૂર્તિનું ૯૩મા વર્ષે વિસર્જન થયું ત્યારે આવતા વર્ષના આગમનની રાહ જોતાં કહેવાઈ જાય છે, ‘પુઢચ્યા વર્ષી લવકર યા... બાપ્પા... ’
અમે આજથી જ રાહ જોઈશું... ૨૦૨૭ની ૪ સપ્ટેમ્બરની.
- વસંત મારુ