સંગીતનાં મહારાણીની સાથે લતા મંગેશકર મારાં મોટાં બહેન હતાં

25 April, 2022 08:47 AM IST  |  Mumbai | Rohit Parikh

ગઈ કાલે સાંજે ષણ્મુખાનંદ હૉલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર અને સમાજ માટે તેમની નિઃસ્વાર્થ સેવા બદલ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા ત્યારે તેમણે એ અવૉર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કર્યો

ગઈ કાલે કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ હૉલમાં નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી રહેલાં આશા ભોસલે

સામાન્ય રીતે હું ક્યારેય કોઈ પુરસ્કાર લેતો નથી, પરંતુ જ્યારે લતા દીનાનાથ મંગેશકર અવૉર્ડ લતાદીદી જેવી મોટી બહેનના નામે હોય તો એ તેમની એકતા અને મારા પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. આથી જ જ્યારે મને માસ્ટર દીનાનાથ મંગેશકર અવૉર્ડ સમારોહમાં લતા દીનાનાથ મંગેશકર અવૉર્ડ માટે મંગેશકર પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મેં એક પળ પણ બગાડ્યા વગર અને એ દિવસના મારા બીજા શું કાર્યક્રમો છે એની જાણકારી લીધા વગર જ તેમને હા પાડી દીધી હતી. હું આ અવૉર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું.

ગઈ કાલે સાંજના કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ હૉલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માસ્ટર દીનાનાથ મંગેશકર અવૉર્ડ સમારોહમાં રાષ્ટ્ર અને સમાજ માટે તેમની નિઃસ્વાર્થ સેવા માટે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ આ અવૉર્ડ માટે મંગેશકર પરિવારનો અને એમાં પણ વિશેષરૂપે ભારત રત્ન સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરનો આભાર માનતાં આ શબ્દો કહ્યા હતા. તેમના આ શબ્દો સાથે જ ષણ્મુખાનંદ હૉલ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યો હતો.

લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની સ્થાપના લતા મંગેશકરની સ્મૃતિ અને સન્માનમાં કરવામાં આવી હતી, જેઓ લતાદીદી તરીકે ઓળખાય છે. તેમનું ૬ ફેબ્રુઆરીએ ૯૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના નામ સાથે જોડાયેલા અવૉર્ડને સ્વીકારતાં પહેલાં સવારના નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં હતા. તેઓ સાંજના ૪.૪૫ વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા.

માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એકનાથ દીનાનાથ મંગેશકરે આ અવૉર્ડ માટે કહ્યું હતું કે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર દર વર્ષે દેશ, એના લોકો અને સમાજ માટે પાથ-બ્રેકિંગ, અદ્ભુત અને અનુકરણીય યોગદાન સાથે માત્ર એક વ્યક્તિને આપવામાં આવશે.

નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં આદિનાથ મંગેશકરે કહ્યું હતું કે ‘તેઓ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારના સૌથી પ્રથમ પ્રાપ્તકર્તા છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય રાજનેતા છે જેમણે ભારતને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર મૂક્યું છે. આપણા પ્રિય રાષ્ટ્રનાં બધાં પાસાંઓ અને પરિમાણમાં જે અદ્ભુત પ્રગતિ થઈ છે અને થઈ રહી છે એ તેમના દ્વારા પ્રેરિત છે. તેઓ ખરેખર આપણા મહાન રાષ્ટ્રે એનાં હજારો વર્ષના ભવ્ય ઇતિહાસમાં જોયેલા મહાન નેતાઓમાંના એક છે.’

લતા દીનાનાથ મંગેશકર અવૉર્ડથી નવાજ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે હું કોઈ પણ અવૉર્ડ સ્વીકારતો નથી, પરંતુ આ અવૉર્ડ સાથે લતાદીદીનું નામ જોડાયેલું હોવાથી હું એ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો હતો. મને સંગીત વિશે વધુ જ્ઞાન નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે સંગીત માતૃત્વ અને પ્રેમની અનુભૂતિ આપી શકે છે. સંગીત તમને દેશભક્તિ અને કર્તવ્યના શિખરે લઈ જઈ શકે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે સંગીતની આ શક્તિ લતાદીદીના રૂપમાં જોવા મળી હતી. મને સંગીત જેવા વિષય પર જાણકારી નથી, પરંતુ સાંસ્કૃતિક સમજણથી મને લાગે છે કે સંગીત પણ એક સાધના અને લાગણી છે, જે લતાદીદીમાં પણ ભારોભાર જોવા મળી  હતી. સંગીતનાં મહારાણી હોવા ઉપરાંત લતા મંગેશકર મારા મોટાં બહેન પણ હતાં. લતાદીદી પાસેથી બહેનનો પ્રેમ મેળવવો એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે, જેમણે અત્યાર સુધીની પેઢીને પ્રેમ અને લાગણીની ભેટ આપી છે.’ 

mumbai mumbai news narendra modi lata mangeshkar rohit parikh