✕

નૅશનલ પાર્કને ભરડે લીધું ગેરકાયદે અતિક્રમણખોરોએ

31 October, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભયજનક રીતે અતિક્રમણનું પ્રમાણ વનક્ષેત્રમાં વધી રહ્યું હોવાનો અહેવાલ

સંજય ગાંધી નૅશનલ પાર્કની ફાઇલ તસવીર

સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ની હદમાં આવતા પરિસરમાં પહેલેથી જ અતિક્રમણની સમસ્યા હતી અને હવે એ વધી રહી હોવાનું જણાયું છે. નૅશનલ પાર્ક પરિસરમાં ગેરકાયદે વસાહતોનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું હોવાના મામલે મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનરે પણ ચિંતા વ્યક્ત કરી છે અને વનવિભાગને પત્ર લખ્યો છે. વનક્ષેત્રની જમીન પર વધતા અતિક્રમણને કારણે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન પણ ઊભો થયો હોવાનું SGNPના ડિરેક્ટરને મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે. 

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) સંદીપ ડોઈફોડે દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘મીરા રોડ-ભાઈંદરના કાશીગાવ પોલીસ-સ્ટેશનની હદમાં આવતો ડાચકુલપાડા ઝૂંપડપટ્ટીઓ ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તાર SGNP વનક્ષેત્રને અડીને આવેલો છે અને એને કારણે વનવિભાગ અંતર્ગત આવતી જમીન પર મોટા પાયે ગેરકાયદે બાંધકામો ઊભાં કરવામાં આવી રહ્યાં હોવાની શક્યતા છે. જોકે વનવિભાગની જમીનની હદ નક્કી કે સ્પષ્ટ ન હોવાને કારણે ગેરકાયદે બાંધકામો કેટલાં છે અને કોના દ્વારા ઊભાં કરવામાં આવેલાં છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.’ 

વન વિભાગ સર્વે કરે અને અતિક્રમણો પર કાર્યવાહી કરે

પત્રમાં DCPએ જે વિસ્તારમાં અતિક્રમણ કરીને ગેરકાયદે બાંધકામો બાંધવામાં આવ્યાં છે એનું સર્વેક્ષણ કરે અને જે બાંધકામો ગેરકાયદે હોવાનું જણાય એના પર કાર્યવાહી કરીને એને હટાવવા માટે પગલાં લે એવું જણાવવામાં આવ્યું છે. હાલમાં જ ચેના પરિસરમાં વનક્ષેત્રમાં શિકારી હોવાની શંકાએ હત્યાકાંડ થયો હતો. આવી ઘટનાઓને કારણે કાયદો-વ્યવસ્થા સંભાળવાનું કામ મુશ્કેલ બને છે. અહીં લોકસંખ્યા સતત વધતી હોવાને કારણે વનવિભાગ પોતાની હદ નક્કી કરે અને એના પરનાં અતિક્રમણો બને એટલાં જલદી હટાવે એમ જણાવવામાં આવ્યું છે. 

national park mumbai news sanjay gandhi national park mumbai mumbai police