14 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર અને નીતેશ રાણે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કણકવલીના વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેએ મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં કોઈ મુસ્લિમ ન હોવાનો દાવો કર્યો હતો. આ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘સત્તાધારી અને વિરોધી પક્ષના નેતાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય એવું ન બોલવું જોઈએ.
મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દેશપ્રેમી મુસ્લિમો છે. આપણે ઇતિહાસ વાંચ્યો છે, જેમાં એકથી વધુ જગ્યાએ લખવામાં આવ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજની સાથે મુસ્લિમો પણ હતા. સેનામાં મુસ્લિમો દારૂગોળો સંભાળતા હતા. નીતેશ રાણેએ છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં મુસ્લિમો ન હોવાનું નિવેદન કેમ આપ્યું? આવા નિવેદનની પાછળનો તેમનો હેતુ મને ખબર નથી, પણ આપણા દેશ માટે ગૌરવ અનુભવનારા મુસ્લિમો છે તેઓ દેશપ્રેમી જ છે. આથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી ન થાય એનું ધ્યાન રાખીને બોલવું જોઈએ.’
શું કહ્યું હતું નીતેશ રાણેએ?
મંગળવારે નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મને નષ્ટ કરવાના શપથ ઔરંગઝેબે લીધા હતા ત્યારે ઔરંગઝેબને રોકવાનું આહવાન છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજે કર્યું હતું. સ્વરાજની લડાઈ ઇસ્લામના વિરોધમાં હિન્દુઓની જ હતી. શિવાજી મહારાજની સેનામાં એક પણ મુસ્લિમ નહોતો.’