16 September, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ સાઉથ મુંબઈના લોકપ્રિય કૅફે મોન્ડેગર અને અન્ય ત્રણ ફૂડ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. FDAએ ૧૨ સપ્ટેમ્બરે કોલાબાના કૅફે મોન્ડેગરનું નિરીક્ષણ કર્યું હતું અને ફૂડ-સેફ્ટી અને સ્વચ્છતામાં ગંભીર ખામીઓ શોધી હતી જેમાં ગરમ અને ઠંડા ફૂડને સ્ટોર કરવાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
કાંદિવલી-ઈસ્ટમાં મહારાષ્ટ્ર બિરયાની સેન્ટર, ઘાટકોપર-વેસ્ટમાં ત્રિભુવન ડેરી ફાર્મ અને ઘાટકોપર-ઈસ્ટમાં મહાવીર કૅશ્યુ અૅન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યાં છે.
તહેવારોમાં આ સ્વીટ શૉપ્સ વિરુદ્ધ કાર્યવાહી
તહેવારોમાં ફૂડ-સેફ્ટી જળવાય એ માટે શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવેલા નિરીક્ષણ દરમ્યાન ખામીઓ જોવા મળતાં મુંબઈમાં ૯ ફૂડ-એસ્ટૅબ્લિશમેન્ટ સામે પણ કાર્યવાહી કરી છે જેમાં ખાર-વેસ્ટમાં રૂહઅફઝા બેકરી, અંધેરી-વેસ્ટમાં ચંદ્રુસ પ્યૉર ઘી સ્વીટ્સ અને શર્મા ડેરી અૅન્ડ ફાસ્ટ ફૂડ, ગ્રાન્ટ રોડ-ઈસ્ટમાં પંજાબી ચંદુ હલવાઈ, વિલે પાર્લે-વેસ્ટમાં શ્રી નારાયણ ડેરી અને ખાર- વેસ્ટમાં ગુલશન ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.
બનાવટી માવાની કાર્યવાહી હેઠળ અંધેરી-ઈસ્ટમાં આયુષ મિલ્ક સપ્લાયરનો ૨૩ કિલો સ્ટૉક જપ્ત કર્યો હતો અને મુલુંડ-વેસ્ટમાં આવેલી બ્રિજવાસી મીઠાઈયાં દુકાનમાંથી ૨૨૫ કિલો માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.