ગેટવે ઑફ ઇન્ડિયાથી ફેરીમાં પ્રવાસ કરતી દરેક વ્યક્તિ માટે હવે લાઇફ જૅકેટ ફરજિયાત

20 December, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવલેણ બોટ-દુર્ઘટના બાદ પ્રશાસનને ડહાપણ સૂઝ્યું- ભાઉચા ધક્કાના બોટવાળા કહે છે કે લોકોને જ લાઇફ જૅકેટ પહેરવામાં રસ નથી હોતો

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પરથી ઊપડતી બોટમાં લોકોને લાઇફ જૅકેટ પહેરાવતો કર્મચારી.

નીલકમલ ફેરીની દુર્ઘટનામાં ૧૩ જણનાં મૃત્યુ થયા બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે અને ગેટવે ઑફ ઇન્ડિયાથી ફેરીમાં પ્રવાસ કરતી દરેક વ્યક્તિ માટે લાઇફ જૅકેટ પહેરવાનું ફરજિયાત 
કર્યું છે.

ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા, માંડવા, અલીબાગ જવા તેમ જ નાની જૉય રાઇડ માટે ફેરીમાં પ્રવાસ કરતી વખતે હવે દરેક વ્યક્તિએ લાઇફ જૅકેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે એમ ગેટવે ઑ‌ફ ઇન્ડિયા પર ફરજ બજાવતા બોટ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું.

આ બાબતે એક પ્રવાસીએ કહ્યું હતું કે દરેક બોટમાં પૂરતાં લાઇફ જૅકેટ હોવાં જ જોઈએ એટલું જ નહીં, એ કઈ રીતે વાપરવાં જોઈએ એ પણ શીખવવું જોઈએ જેથી કટોકટીની પળોમાં એનો ઉપયોગ કરી શકાય અને જીવ બચાવી શકાય.

ગેટવે ઑફ ઇન્ડિયા સહિત ભાઉચા ધક્કા પર પણ નાંગરવામાં આવતી બોટ પરના કર્મચારીઓએ કહ્યું હતું કે ‘બોટ પર આવતા પૅસેન્જરોને લાઇફ જૅકેટ પહેરવા માટે કહેવાતું હોય છે, પણ બહુ ઓછા પ્રવાસીઓ એ પહેરે છે. એની પાછળનું એક કારણ એ છે કે દરિયા પાસે ભેજવાળું વાતાવરણ હોવાથી પરસેવો થતો હોય છે. એમાં લાઇફ જૅકેટ પહેરવાનું કહેવામાં આવે ત્યારે લોકો એ પહેરવાનું ટાળતા હોય છે. કટોકટીમાં એ લાઇફ જૅકેટ તેમને જ કામમાં આવતું હોય છે.’

અન્ય એક કર્મચારીએ બીજો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે ‘અહીં બોટમાં બેસતી વખતે લાઇફ જૅકેટ પહેરવાનું ટાળતા લોકો વિદેશમાં પ્રવાસ કરતી વખતે ચૂપચાપ લાઇફ જૅકેટ પહેરી લે છે, કારણ કે ત્યાં સેફ્ટીના નિયમો કડકાઈથી પાળવામાં આવે છે. જો એક પણ વ્યક્તિએ લાઇફ જૅકેટ ન પહેર્યું હોય તો બોટ કે ફેરીને જેટી પરથી દરિયામાં છોડવામાં જ નથી આવતી. જો કોઈ પૅસેન્જર લાઇફ જૅકેટ પહેરવાની ના પાડે તો તેને બોટમાંથી ઉતારી મૂકવામાં આવે છે, જ્યારે અહીં લાઇફ જૅકેટ પહેરવામાં આડોડાઈ કરતા પ્રવાસીઓ ત્યાં બરોબર નિયમોનું પાલન કરે છે અને ચૂપચાપ લાઇફ જૅકેટ પહેરી લે છે.’

mumbai news mumbai gateway of india alibaug mumbai crime news