મુંબઈમાં ગઈ કાલે સવારે વરસાદના છાંટા પડ્યા ને ​દિવસ દરમિયાન ધૂળ ઊડતી રહી

22 April, 2022 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સવારે ભાંડુપ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, દાદર, જેવીએલઆર, ગોરેગામ-ઈસ્ટ, કાંદિવલીમાં ચારકોપ વગેરે વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા

ગઈ કાલે સવારે પડેલા વરસાદથી બચવા વિક્રોલી એક્સપ્રેસ હાઇવે પર બાઇકસવારોએ એક વૃક્ષ નીચે આશરો લેવો પડ્યો હતો. (તસવીર : સમીર માર્કન્ડે)

વેધશળાએ ઑલરેડી ચાર દિવસ પહેલાં જ કહ્યું હતું કે પૂર્વમાંથી આવી રહેલા પવનોને કારણે ગુરુવાર અને શુક્રવાર દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એ સાથે જ રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જોકે એ વરતારા મુજબ પાલઘર, થાણે, મુંબઈ અને વિદર્ભમાં વરસાદ પડવાની શક્યતા નહોતી. એમ છતાં ગઈ કાલે સવારે ભાંડુપ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, દાદર, જેવીએલઆર, ગોરેગામ-ઈસ્ટ, કાંદિવલીમાં ચારકોપ વગેરે વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા. એટલું જ નહીં, બપોર સુધી વાતાવરણમાં વાદળો છવાયેલાં રહ્યાં હતાં અને ધૂળિયું વાતાવરણ રહ્યું હતું. મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ગઈ કાલે વરલીમાં ૧૫૧થી લઈને કુર્લામાં ૧૮૯ની રેન્જમાં જોવા મળ્યો હતો.

મુંબઈમાં પડેલા છાંટા વિશે રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે કહ્યું હતું કે મુંબઈમાં આ જે છૂટાછવાયા છાંટા પડ્યા છે એ વેસ્ટર્નલી ડિસ્ટર્બન્સ, પશ્ચિમી પવનોને કારણે પડ્યા છે અને એ બહુ કૉમન છે.

જોકે ગઈ કાલે બપોરે એક વાગ્યે કરેલી આગાહી મુજબ શુક્રવારે અને શનિવારે રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં વરસાદનાં ઝાપટાં પડી શકે એમ છે. જો એ વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં પડશે તો કેરીના તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની શક્યતા છે. 

mumbai mumbai news mumbai weather Weather Update mumbai monsoon mumbai rains