પનવેલ, નવી મુંબઈમાં હળવાં ઝાપટાં, મુંબઈ આજે પણ વાદળછાયું રહેશે

22 April, 2026 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ સહિત MMRમાં પ્રી-મૉન્સૂન વરસાદ પડવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ગઈ કાલે છૂટાંછવાયાં ઝાપટાં પડતાં મુંબઈગરાઓને ભારે ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જોકે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પડેલા આ કમોસમી વરસાદ અને અમુક જગ્યાએ કરા પડતાં પાક ધોવાઈ ગયો હતો. હવામાન ખાતાએ હજી ત્રણ દિવસ વરસાદ પડશે એવી આગાહી કરી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

હવામાન ખાતાએ સંકેત આપ્યો છે કે પ્રી-મૉન્સૂન વરસાદનો પ્રથમ રાઉન્ડ સોમવારે થવાની શક્યતા છે. પનવેલના કેટલાક ભાગ અને નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે, જે હવામાનની પૅટર્નમાં ફેરફારનો સંકેત આપે છે. હવામન ખાતાની આગાહીમાં મુંબઈ, થાણે અને રાયગડમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી હતી; જેમાં વીજળી પડવાની શક્યતા, મધ્યમ વરસાદ અને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એમ જણાવાયું છે.

મુંબઈગરાના માનીતા માથેરાનમાં પણ વરસાદ
મુંબઈગરાઓ મુંબઈની ગરમીથી રાહત મેળવવા સૌથી નજીકના હિલ સ્ટેશન માથેરાન જતા હોય છે એ માથેરાનમાં પણ ગઈ કાલે જાણે ચોમાસું જામી ગયું હોય એવો માહોલ સર્જાયો હતો અને વરસાદે રમઝટ બોલાવી હતી.

mumbai news mumbai mumbai metropolitan region mmr Weather Update mumbai weather indian meteorological department mumbai rains panvel navi mumbai