14 September, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘોડબંદર રોડ પર થયેલું વિરોધ-પ્રદર્શન જેમાં રસ્તા પર શીર્ષાસન યોગ કરવામાં આવ્યો હતો.
થાણેના ઘોડબંદર રોડ પર ખરાબ રસ્તાને કારણે થતા સતત ટ્રાફિક જૅમ ઉપરાંત ટ્રાફિક વિભાગની અવ્યવસ્થાથી હતાશ ઘોડબંદરના રહેવાસીઓએ શુક્રવારે ઘોડબંદર રોડ પરના આનંદનગર સિગ્નલ પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરનારાઓએ ખાડામાં માથું રાખીને પગ હવામાં અધ્ધર કરી શીર્ષાસન યોગ દ્વારા વિરોધ-પ્રદર્શન કરીને ખાડાની સમસ્યા દેખાડવાની કોશિશ કરી હતી. આશરે પાંચ-છ કલાક ચાલેલા વિરોધ બાદ પોલીસ વિભાગે ડેપ્યુટી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ફોન કરીને પ્રદર્શન કરનારાઓ સાથે વાત કરાવી હતી અને એકનાથ શિંદેએ બાંયધરી આપતાં મોરચાનો અંત આવ્યો હતો.
થાણેના ઘોડબંદર રોડ પર રહેતા નિખિલ મોહળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિરોધ-પ્રદર્શનમાં સ્થાનિક અધિકારીઓએ ખાડાઓને સુધારવા અને ટ્રાફિકનું નિયમન કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હજારો રહેવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ કડી ગણાતો ઘોડબંદર રોડ નબળી માળખાકીય સુવિધા અને ટ્રાફિક જૅમથી છેલ્લા કેટલાક વખતથી બદનામ થઈ રહ્યો છે અને એને કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. છેલ્લા કેટલાક વખતથી ખાડાઓ અને ભારે ટ્રાફિક જૅમને કારણે ઘોડબંદર રોડ પરની મુસાફરી વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે. રસ્તાની સૌથી ખરાબ હાલત સામે કોઈ ધ્યાન આપવા તૈયાર નથી એ જોતાં અમારા ગ્રુપે આનંદનગર સિગ્નલ પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.’
વિરોધ-પ્રદર્શનમાં જોડાયેલા એક સ્થાનિક નાગરિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કોઈ પૉલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી કે નથી અમારે કોઈ ઇલેક્શન લડવું. અમે સ્થાનિક નાગરિક છીએ અને અમને માત્ર અમારો વિસ્તાર યોગ્ય જોઈએ છે એ માટે અમે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ-પ્રદર્શન રોકવા આવેલી પોલીસે અમને એકનાથ શિંદેસાહેબ સાથે ફોન પર વાત કરાવી હતી. તેમણે ત્રણ-ચાર દિવસમાં તેમનો એક પ્રતિનિધિ અમને મળવા આવશે અને અમારી સમસ્યા જાણ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે એવી બાંયધરી આપી છે.’