લોકસભાની ચૂંટણીનો આવતી કાલે પ્રારંભ

18 April, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર પહેલા તબક્કામાં થશે મતદાન

ગઈ કાલે કેરલાના ​તિરુવનંતપુરમમાં પોસ્ટલ બૅલટના માધ્યમથી વોટ આપતા એક સિનિયર સિટીઝન

લોકશાહીનું સૌથી મોટું પર્વ જેને માનવામાં આવે છે એવી લોકસભાની ચૂંટણીનો આવતી કાલથી આરંભ થઈ રહ્યો છે. ૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૧૦૨ બેઠકો પર આવતી કાલે મતદાન થશે અને ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં બંધ થશે. ૧૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં સંપૂર્ણ મતદાન થશે જેમાં તામિલનાડુમાં ૩૯ બેઠક, ઉત્તરાખંડમાં પાંચ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલયમાં બે-બે બેઠક; જ્યારે મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, પુડુચેરી અને આંદામાન-નિકોબાર ટાપુની એક-એક બેઠકનો સમાવેશ છે. બીજી તરફ ૧૧ રાજ્યોમાં આંશિક બેઠકો પર મતદાન થશે.

આ ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ બેઠકો જેને માનવામાં આવે છે એમાં નાગપુર, ચેન્નઈ, સાઉથ, કોઇમ્બતુર, છિંદવાડા, પીલીભીત અને જમુઈ બેઠકનો સમાવેશ છે. નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી મેદાનમાં છે, તામિલનાડુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ કે. અન્નામલાઈ કોઇમ્બતુર બેઠક પર લડી રહ્યા છે. તેલંગણ રાજ્યના ભૂતપૂર્વ ગવર્નર ટી. સુંદરરાજનને BJPએ ચેન્નઈ સાઉથ બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. બિહારના જમુઈમાં લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન છે, જ્યારે વરુણ ગાંધીની ટિકિટ કાપીને કૉન્ગ્રેસમાંથી આવેલા જિતિન પ્રસાદને BJPએ પીલીભીત બેઠક પરથી ઊભા રાખ્યા છે. મધ્ય પ્રદેશમાં છિંદવાડામાં કૉન્ગ્રેસના નેતા કમલનાથના પુત્ર નકુલનાથ ઊભા છે જેઓ ૭૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ તબક્કાના સૌથી શ્રીમંત ઉમેદવાર છે.

Lok Sabha Election 2024 election commission of india india national news