લોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું

29 November, 2021 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નોંધવું રહ્યું કે ગુરુ પર્વના અવસર પર પીએમ મોદીએ દેશને સંબોધનમાં આ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.

ફાઇલ ફોટો

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવા ‘ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021’ ચર્ચા વિના જ મંજૂર થયું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પટલ પર જરૂરી કાગળો મૂક્યા હતા. આ પછી, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે બિલ રજૂ કર્યું હતું.

તરત જ, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બિલ પર ચર્ચાની માગ શરૂ કરી હતી. જોકે, સ્પીકરે કહ્યું કે ગૃહમાં વ્યવસ્થા નથી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે “આજે ગૃહમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. આ વિધેયકને ચર્ચા અને પસાર કરવા માટે મૂકવાની વાત થઈ હતી, પરંતુ સરકાર શા માટે ચર્ચા કરવા માગતી નથી? અન્ય ઘણા વિપક્ષી સભ્યો પણ આ જ સૂરમાં કંઇક બોલતા જોવા મળ્યા હતા.

લોકસભા અધ્યક્ષે કહ્યું કે “ગૃહમાં કોઈ વ્યવસ્થા નથી અને આ સ્થિતિમાં ચર્ચા કેવી રીતે થઈ શકે? જો તમે (વિપક્ષી સભ્ય) વ્યવસ્થા કરો તો ચર્ચા થઈ શકે છે. ત્યાર બાદ ગૃહે ઘોંઘાટમાં પણ કોઈપણ ચર્ચા વગર ફાર્મ લોઝ રિપીલ બિલ 2021ને મંજૂરી આપી હતી.

લોકસભા બાદ રાજ્યસભામાંથી કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ત્રણેય કૃષિ કાયદાઓ રદ થઈ જશે.

national news Lok Sabha Rajya Sabha