શું લોકશક્તિના પ્રવાસીઓને મળેલી રાહત ટૂંકા સમયગાળાની પુરવાર થશે?

25 September, 2021 02:38 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

સ્પેશ્યલ હૉલિડે ટ્રેન તરીકે દોડાવવામાં આવી રહેલી આ ટ્રેનના બોઇસર અને સફાળે જેવા હૉલ્ટ ફરી શરૂ કરવાની થઈ માગણી : જોકે એના રેગ્યુલર પ્રવાસીઓનું કહેવું છે કે જો એવું થશે તો અમારે એ જ જૂની હેરાનગતિનો ફરીથી સામનો કરવો પડશે

લોકશક્તિ

મુંબઈમાં રહેતા મોટા ભાગના રેલવે પ્રવાસીઓ અને ખાસ કરીને ગુજરાતીઓ સુરત કે અમદાવાદ જવા માટે લોકશક્તિ ટ્રેનમાં સફર કરતા હોય છે. જોકે રિઝર્વેશન કરાવ્યા બાદ પણ આ ટ્રેનમાં લાંબા અંતરનો પ્રવાસ કરતા પ્રવાસીઓને લોકલ પ્રવાસીઓ પરેશાન કરી મૂકતા હોય છે. લોકલ પ્રવાસીઓ કોઈ પણ સીટ પર બેસી જતા હોય છે અને તેમને દૂર થવાનું કહેવામાં આવે તો ઝઘડો પણ કરવા લાગે છે. રિઝર્વેશન ધરાવતા પ્રવાસીઓ સાથે લોકલ પ્રવાસીઓ ઝઘડો કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. એથી લોકશક્તિના પ્રવાસીઓ છેલ્લા અનેક વખતથી વિરાર પછીના અને મુખ્યત્વે સફાળે, બોઇસર જેવા હૉલ્ટને રદ કરવાની માગણી કરી રહ્યા હતા. જોકે કોરોના સંક્રમણને કારણે લોકશક્તિને સ્પેશ્યલ હૉલિડે ટ્રેન તરીકે દોડાવવામાં આવી રહી છે.  એમાંથી બોઇસર અને સફાળે હૉલ્ટને દૂર કરી દેવામાં આવ્યો છે. એના કારણે હાલમાં તો લોકશક્તિના પ્રવાસીઓ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે. જોકે આ રાહત થોડા મહિનાઓની ન હોય એવી ચિંતા પણ તેમનામાં જોવા મળી રહી છે, કારણ કે આ બેલ્ટનાં અમુક રેલવે સંગઠનો સતત માગણી કરી રહ્યાં છે કે આ હૉલ્ટને ફરી શરૂ કરવામાં આવે. જોકે રેલવેએ આ સંદર્ભે હાલ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન-ક્રમાંક ૨૨૯૨૭/૨૮ને કોરોનાકાળથી બદલવામાં આવી છે. લોકશક્તિ સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી અમદાવાદ દરમિયાન અનેક વર્ષોથી અસ્તિત્વમાં હતી. એ બાંદરા ટર્મિનસ અને દહાણુ રોડ દરમિયાન અંધેરી, બોરીવલી, વિરાર, સફાળે, પાલઘર, બોઇસર અને દહાણુ રોડ સ્ટેશનો પર હૉલ્ટ કરતી હતી. જોકે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકશક્તિને વિશેષ ટ્રેન (હૉલિડે સ્પેશ્યલ ટ્રેન) કરીને ટ્રેન-ક્રમાંક ૦૯૦૨૯/૩૦માં બદલવામાં આવી છે. આ બદલાવ કરતી વખતે એમાંથી સફાળે અને બોઇસર સ્ટેશન પરનો હૉલ્ટ હટાવી દેવામાં આવ્યો હતો. આ હૉલ્ટ દૂર થતાં રિઝર્વેશન કરીને જતા પ્રવાસીઓની સમસ્યાનો નિવેડો એક રીતે આવ્યો છે, જ્યારે લોકલ પ્રવાસીઓ કોઈ પણ હિસાબે આ હૉલ્ટ ફરી શરૂ કરાય એ સતત પ્રયાસો કરી રહી છે.

આ બેલ્ટના રેલવે અસોસિએશન અને ફોરમ ઑફ અલર્ટ સિટિઝન્સના વિજય શેટ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હૉલ્ટ દૂર કરવાનું કારણ અમે સમજી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે ટ્રેન-ક્રમાંક ૨૨૯૨૭/૨૮ અને ૦૯૦૨૯/૩૦ બન્ને દિશાએ ૮ કલાક ૪૦ મિનિટે પહોંચે છે. છેલ્લાં ૨૫થી ૩૦ વર્ષથી વર્કિંગ ક્લાસ ટ્રેન-ક્રમાંક ૨૨૯૨૭/૨૮માં પ્રવાસ કરતો હતો. તેમને આ ટ્રેનથી દરરોજ પ્રવાસ કરવું સારું પડતું હતું, કારણ કે એથી લાંબા અંતરે જલદી પહોંચી શકાતું અને દહાણુ સુધી પ્રવાસીઓને ભીડથી પણ થોડી રાહત મળી જતી. હવે તો પ્રવાસીઓ કામ પર રાબેતા મુજબ જવા લાગ્યા છે અને વૅક્સિનના બે ડોઝ પણ લઈ લીધા છે તો આ મહત્ત્વના હૉલ્ટ ફરી શરૂ કરવામાં આવે એવી અમે માગણી કરી છે.’

કાંદિવલીમાં રહેતા અને કામ સંદર્ભે અમદાવાદ જતા અર​વિંદ વિરાસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમદાવાદ જવા માટે લોકશક્તિ મને સારી પડે છે, પરંતુ રિઝવેશન કરાવો કે કેટલી પણ ફરિયાદો કરો તો પણ વિરાર, સફાળે, પાલઘર, બોઇસર વગેરે સ્ટેશનોએ ઊતરતા અને ડેઇલી અપ-ડાઉન કરતા લોકલ પ્રવાસીઓ તમારી જગ્યા પર આવીને બેસી જાય છે. ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા સુધ્ધાં હોતી નથી. લોકલ ટ્રેનમાં વધારો કરવાની જરૂર છે જેથી આ સ્ટેશનો પર પ્રવાસ કરતા મુસાફરો લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસ કરે નહીં. પ્રવાસીઓ મોટી બૅગ લઈને ચડતા હોવા છતાં લોકલ પ્રવાસીઓ દૂર થતા નથી. દરરોજ પ્રવાસ કરતા અમુક લોકો તો દાદાગીરી જ કરતા હોય છે. તેઓ અમારી સીટ પર આવીને બેસી જાય છે અને સામાન પણ બરાબર મૂકવા દેતા નથી. મને નથી લાગતું કે લોકશક્તિનો એક પણ એવો દિવસ હશે જ્યારે આ પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ ન હોય. હાલમાં તો ભીડ એકદમ ઓછી છે, પણ જો રેલવે ફરી હૉલ્ટ આપશે તો એ જ ભીડ પાછી જોવા મળશે એ ચિંતા થઈ રહી છે. અમારે ફરી એ જ હેરાનગતિનો સામનો કરવો પડશે એટલે રેલવે તેમના માટે અન્ય પ્રર્યાય વ્યવસ્થા કરે તો સારું.’

mumbai mumbai news indian railways boisar safale preeti khuman-thakur