05 June, 2026 01:25 PM IST | Mumbai | Madhulika Ram Kavattur
ડબ્બા પહોંચાડવા જઈ રહેલો તાનાજી શિંદે
વૈશ્વિક સ્તરે સર્જાયેલી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની કટોકટી અને ઈંધણના વધતા ભાવની સીધી અસર હવે મુંબઈના ડબ્બાવાળાઓ પર પડવા લાગી છે. છેલ્લાં ૯ અઠવાડિયાંથી મુંબઈના ડબ્બાવાળાઓ ટિફિનના ઘટતા ઑર્ડરને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. નૂતન મુંબઈ ટિફિન બૉક્સ સપ્લાયર્સ ચૅરિટેબલ ટ્રસ્ટના સભ્ય અજય સાતકરે કહ્યું હતું કે ‘કોરોના પહેલાં અમે મુંબઈમાં દરરોજ અંદાજે બે લાખ ટિફિનની ડિલિવરી કરતા હતા. કોરોના પછી આ આંકડો ઘટીને ૮૦,૦૦૦થી ૯૦,૦૦૦ સુધી આવી ગયો હતો, પરંતુ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી LPG કટોકટીને કારણે આ સંખ્યા વધુ ઘટીને હવે માત્ર ૬૫,૦૦૦થી ૭૦,૦૦૦ સુધી સીમિત થઈ ગઈ છે.’
LPGના વધતા ભાવ ઉપરાંત કૉર્પોરેટજગતમાં ફરી શરૂ થયેલા વર્ક ફ્રૉમ હોમ વિકલ્પને લીધે પણ ડબ્બાવાળાઓનું કામ ઘટ્યું છે. દાદર વિસ્તારમાં ટિફિન સપ્લાય કરતા ડબ્બાવાળા તાનાજી શિંદેએ કહ્યું હતું કે ‘મે મહિનાની શરૂઆતથી જ અમારા ઑર્ડર ખૂબ ઓછા થઈ ગયા છે. હાલમાં અમને મુંબઈના મુખ્ય વિસ્તારો કરતાં કલ્યાણ અને થાણેથી મુંબઈ આવતા-જતા લોકોના ઑર્ડર વધુ મળી રહ્યા છે. ઑનલાઇન ફૂડ ડિલિવરી ઍપ્સ અને ગૅસની મોંઘવારીએ અમારો ધંધો મુશ્કેલ બનાવી દીધો છે.’