LPGની અછત વધુ ને વધુ વર્તાઈ રહી છે

12 March, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોટેલો ટપોટપ બંધ થઈ રહી છે, લઘુ ઉદ્યોગોને મોટી અસર

દેશમાં આવેલા ગૅસ-સંકટને કારણે રાંધણગૅસના ભાવ વધી ગયા છે. સરકાર તરફથી કટોકટીના આ સમય માટે ઠોસ પગલાં ન લેવાતાં હોવાનું કહીને સોલાપુરમાં કૉન્ગ્રેસના વર્કર્સે LPG ગૅસ સિલિન્ડરની ઠાઠડી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના પુરવઠા પર કાપ મુકાવાને કારણે વિવિધ ઉદ્યોગોને અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. નાગરિકોને ગૅસ આપવાનું પ્રાધાન્ય છે એટલે પહેલી વાર એવું બન્યું છે કે સામાન્ય પ્રજાને હાડમારી નથી થઈ રહી, પણ ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. જોકે એમાં પણ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ભોગ બની રહ્યા છે. મુંબઈ અને મહારાષ્ટ્રની હોટેલો ગૅસ ન મળવાથી ટપોટપ બંધ થઈ રહી છે અને એવા જ હાલ બેકરી, લૉન્ડ્રી, સાકર, સ્ટીલ, ફાર્મા અને ઑટો પાર્ટ્સના ઉદ્યોગોના છે જ્યાં LPGનો ઉપયોગ પ્રોડક્શન માટે કરવામાં આવે છે. પુણે, નાગપુર અને મુંબઈમાં પણ અમુક ઠેકાણે નાના ફૂડ-સ્ટૉલમાં માટી અને ઈંટના ચૂલા બનાવીને રસોઈ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે.

ધોબીઘાટમાં LPGની મદદથી ચાલતાં ડ્રાઇંગ મશીન ઠપ થયાં, લૉન્ડ્રીને એસેન્શિયલ સર્વિસ ગણવાની માગણી

મુંબઈના આઇકૉનિક ધોબીઘાટને પણ LPGની અછતનો માર સહન કરવો પડ્યો છે. ધોબી કલ્યાણ ઍન્ડ ઔદ્યોગિક વિકાસ કો-ઑપરેટિવ સોસાયટીના ચૅરમૅન સંતોષ કનોજિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહાલક્ષ્મી ધોબીઘાટમાં ૭૩૧ ધોબી છે. એમાંથી ૩૫૦થી વધુ ધોબી કપડાં સૂકવવા માટે ડ્રાયર મશીનનો ઉપયોગ કરે છે. કપડાં ધોવાનાં મશીન તો ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, પણ ડ્રાઇંગ મશીન માટે LPGનો ઉપયોગ થાય છે. અત્યારે બ્લૅકમાં લેવા જાઓ તો પણ એક સિલિન્ડર નથી મળતું. અમારે તો રોજ એક સિલિન્ડર જોઈતું હોય છે. પૉલ્યુશન અને ધૂળ ભીનાં કપડાંને ન ચોંટે એટલે અમે મશીનમાં કપડાં ડ્રાય કરીને થોડી વાર જ તડકામાં સૂકવી છીએ. ખાસ કરીને કોઈ ક્લિનિક, હૉસ્પિટલ કે પેશન્ટનાં કપડાં માટે આ જરૂરી છે.’

લૉન્ડ્રીને પણ એસેન્શિયલ સર્વિસ ગણવી જોઈએ એ વાત પર ભાર મૂકતાં સંતોષ કનોજિયાએ કહ્યું હતું કે ‘કોરોના વખતે અમે લોકોને ચેપ લાગવાથી બચાવ્યા હતા. હૉસ્પિટલોનાં કપડાં અમે ધોઈને સાફ રાખ્યાં હતાં. એ વખતે લૉન્ડ્રીને એસેન્શિયલ સર્વિસ ગણવામાં આવી હતી. જોકે અમારી માગણી છે કે લૉન્ડ્રીને આવશ્યક સેવામાં જ ગણવી જોઈએ, કારણ કે લૉન્ડ્રી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટેની સેવા છે.’

રેલવેમાં માઇક્રોવેવ અને ઇન્ડક્શન પર શિફ્ટ થવાનો નિર્દેશ અપાયો

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ દેશનાં તમામ રેલવે-સ્ટેશનો પર કેટરિંગ યુનિટ્સને માઇક્રોવેવ અને ઇન્ડક્શન પ્લેટો પર કુકિંગ શિફ્ટ કરવા અને મુસાફરો માટે
રેડી-ટુ-ઈટ ફૂડનો સ્ટૉક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. IRCTCએ ફૂડ-પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને જન આહારના સંચાલકોને આ રીતે વૈકલ્પિક વ્યવસ્થાઓ તરફ સ્વિચ કરવા જણાવ્યું હતું. IRCTCના આદેશ મુજબ ગઈ કાલથી શિવડી, કુર્લા, બોરીવલી અને વલસાડમાં આવેલી IRCTCની કૅન્ટીન બંધ કરવામાં આવી છે.

સ્ટીલના ભાવમાં ૫૦૦૦ રૂપિયાનો વધારો

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે છેલ્લા ૧૦ દિવસમાં સ્ટીલના ભાવમાં ૫૦૦૦ રૂપિયાનો વધારો થયો છે. ભાવ પ્રતિ ટન ૫૬,૫૦૦ રૂપિયાથી ૬૧,૫૦૦ રૂપિયા પ્રતિ ટન થયા છે. સ્ટીલ બનાવવા માટે વપરાતા કાચા માલની પ્રક્રિયા માટે જરૂરી ગૅસને કારણે ભાવમાં વધારો થયો છે.

ગ્રાઉન્ડ રિયલિટી જુદી છે

હોટેલોમાં ગૅસપુરવઠો પતી જતાં શટર પાડવાં પડે છે અને જે લોકો પાસે થોડોઘણો પુરવઠો છે તેઓ ઓછી રસોઈ બનાવીને, ઓછા વિકલ્પો ગ્રાહકોને સર્વ કરીને ગૅસ બચાવી રહ્યા છે. એક હોટેલમાલિકે કહ્યું હતું કે ‘બ્લૅકમાં પણ ગૅસ-સિલિન્ડર મળતું નથી. આખો દિવસ ચા ઊકળતી હોય અને ઢોસાનો તવો ચાલુ રાખવો પડતો હોય એવી પરિસ્થિતિમાં અમે વધુ ગૅસ વપરાય એવું ખાવાનું બનાવવાનું જ બંધ કરી દીધું છે. જોકે અમારે ત્યાં કામ કરતા કારીગરોનું શું? તેમને શું ખવડાવીએ? સરકાર કહે છે કે ઘરના ગૅસની સમસ્યા નથી, પણ અમારી હોટેલમાં જ લોકો ઘરે ગૅસ ન હોવાને કારણે જમવા આવી રહ્યા છે. ગ્રાઉન્ડ રિયલિટી સાવ જુદી જ છે અને આ સમસ્યા દેખાય છે એના કરતાં ઘણી મોટી છે.’

થાણે હોટેલ અસોસિએશનનો આક્ષેપ : એક સિલિન્ડર પાંચ હજારથીયે વધારે રૂપિયામાં વેચાઈ રહ્યું છે

થાણે હોટેલ અસોસિએશનના પદાધિકારીઓએ ગઈ કાલે યોજેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિનો લાભ લઈને કમર્શિયલ ગૅસ-સિલિન્ડરનું મોટા પાયે બ્લૅક-માર્કેટિંગ થઈ રહ્યું છે. અસોસિએશનના વાઇસ-પ્રેસિડન્ટ રઘુનાથ શેટ્ટીએ કહ્યું હતું કે ‘સરકાર દ્વારા નક્કી કરાયેલા કમર્શિયલ ગૅસ-સિલિન્ડરની સત્તાવાર કિંમત ૧૮૩૫ રૂપિયા છે, પરંતુ વાસ્તવમાં બજારમાં સિલિન્ડર ઉપલબ્ધ નથી અથવા તો અત્યંત ઊંચી કિંમતે વેચાઈ રહ્યાં છે. હોટેલ-માલિકોને એક સિલિન્ડર મેળવવા માટે ૫૦૦૦ રૂપિયા કે એનાથી પણ વધુ રકમ ચૂકવવી પડી રહી છે. એના કારણે હોટેલ ઉદ્યોગ પર ભારે આર્થિક બોજો આવી રહ્યો છે. જો આવું જ ચાલુ રહેશે તો આગામી રવિવાર સુધી થાણેની ૭૦ ટકા હોટેલ બંધ કરવાની નોબત આવી શકે છે.’

BMCની કૅન્ટીન પણ બંધ થશે?

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડરોની અછતની અસરથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની કૅન્ટીન પણ બચી નથી શકી. BMCની હેડ ઑફિસની કૅન્ટીનમાં હાલમાં ગૅસનો મર્યાદિત સ્ટૉક છે જે આજે બપોર સુધીમાં પૂરો થઈ જશે. આ અસરને થોડી પાછળ ઠેલવા માટે ગઈ કાલે કૅન્ટીનમાં ગૅસનો ઉપયોગ ન કરવો પડે અથવા ઓછો થાય એવું જ ભોજન પીરસાયું હતું. ઊલટાનું ગૅસની અછતને કારણે નજીકની સરકારી કચેરીઓમાં કૅન્ટીન બંધ થઈ જતાં BMC કૅન્ટીનમાં ભીડ વધી ગઈ હતી. કૅન્ટીન મૅનેજમેન્ટે ઇન્ડક્શન કે ઇલેક્ટ્રિક સગડીના ઉપયોગથી રસોઈ કરવાની તૈયારી બતાવી છે, પણ શકભાજી અને ફળોના ભાવ વધતાં એનો પુરવઠો પણ ઓછો હોવાનું જણાવ્યું હતું.

રાંધણગૅસની અછત વચ્ચે ઇન્ડક્શન સ્ટવની માગણીમાં એકાએક વધારો, ઘણી પ્રોડક્ટ્સ આઉટ ઑફ સ્ટૉક થઈ

ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે વૈશ્વિક ગૅસની કટોકટી ઊભી થઈ છે. ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડર મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે એને કારણે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં એકાએક વધારો થયો છે. લોકો ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ પર ઇન્ડક્શન સ્ટવ ઝડપથી ખરીદી રહ્યા છે જેને કારણે ઘણી પ્રોડક્ટ્સ આઉટ ઑફ સ્ટૉક થઈ છે. ૨૪ કલાકની અંદર ક્વિક કૉમર્સ પર ઇન્ડક્શન સ્ટવની ડિમાન્ડમાં દસગણો અને ઈ-કોમર્સ પર વીસગણો વધારો થયો છે. કેટલાક ઇન્ડક્શન સ્ટવ ઉત્પાદકોના શૅરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

mumbai news mumbai middle east crisis oil prices petroleum hotel and restaurant indian hotel & restaurant association brihanmumbai municipal corporation dhobi ghat