21 July, 2025 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ અને શૅર કરેલી તસવીર (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે વિધાનસભામાં પોતાના ફોન પર ઓનલાઈન રમ્મી ગેમ રમતા હોવાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદમાં ફસાઈ ગયા હતા. આ વીડિયોને લઈને હવે રાજ્યના વિરોધી પક્ષ દ્વારા તેમની ટીકા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (SP) ના નેતા રોહિત પવારે વાયરલ ક્લિપ્સ શૅર કરતી વખતે કોકાટે પર આકરા પ્રહારો કર્યા. X પર પોસ્ટ કરીને રોહિતે લખ્યું, "અજિત પવારની આગેવાની હેઠળની NCP ભાજપ સાથે સલાહ લીધા વિના કંઈ કરી શકતી નથી, અને તેથી જ્યારે મહારાષ્ટ્રમાં કૃષિના અનેક મુદ્દાઓ મોકૂફ રહ્યા છે અને દરરોજ આઠ ખેડૂતો પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા છે, ત્યારે કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી અને તેઓ રમ્મી રમવામાં સમય વિતાવી રહ્યા છે."
"શું આ ગેરમાર્ગે દોરાયેલા મંત્રીઓ અને સરકાર ક્યારેય પાક વીમો, લોન માફી અને ભાવ ટેકાની માગ કરતા ખેડૂતોની આ ભયાવહ વિનંતી સાંભળશે: `કભી ગરીબ કિસાનોં કી ખેતોં પર ભી આઓ ના મહારાજ` (ક્યારેક ગરીબ ખેડૂતોના ખેતરમાં આવો, મહારાજ)?" એવું કહીં રોહિત પવારે લખ્યું. મંત્રી કોકાટે અજિત પવારના નેતૃત્વ હેઠળના NCP જૂથના છે અને સિન્નર બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયા હતા. ભાજપના નેતા સુધીર મુનગંટીવાર આ વિવાદનો જવાબ આપતા કહ્યું કે “મંત્રીને ચેતવણી આપવામાં આવશે પરંતુ આવી પ્રવૃત્તિઓ માટે તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર હોય તેવો કોઈ કાયદો નથી.” શિવસેના (UBT) ના નેતા કિશોરી પેડણેકરે મંત્રીની ટીકા કરતા કહ્યું કે, "આ પહેલી વાર નથી જ્યારે મંત્રી કોકાટે ખોટા પગલા પર પકડાયા હોય. અગાઉ પણ તેઓ બેજવાબદાર નિવેદનો આપતા જોવા મળ્યા હતા. તેઓ જે રીતે વર્તન કરી રહ્યા છે તે લોકશાહીનું અપમાન છે."
"એક સમય હતો જ્યારે ધારાસભ્યોને ખૂબ માન આપવામાં આવતું હતું, પરંતુ આજે તેઓ દરરોજ નીચા પડી રહ્યા છે," તેમણે ઉમેર્યું. NCP SP ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કૃષિ મંત્રી પર કટાક્ષ કર્યો, જેમાં કોકાટે રમ્મી ગેમનો પ્રચાર કરતા દર્શાવતી ગ્રાફિકલ તસવીર શૅર કરી, જેમાં કેપ્શન હતું, "ખેડૂતો, ગેરંટી ભૂલી જાઓ... રમ્મી રમો..."
જિતેન્દ્ર આવ્હાડે આગળ કહ્યું, "તેઓ ક્યાં રમી રમી રહ્યા છે? તેઓ રાજ્ય વિધાનસભામાં જ રમી રહ્યા છે. કોકાટે એક મંત્રી છે, પરંતુ તેમણે ગૃહમાં એક પણ પોઝરનો જવાબ આપ્યો નથી. મંત્રી જંગલી રમ્મી રમી રહ્યા છે, જેના કારણે મહારાષ્ટ્રમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. આ મંત્રીઓને કોઈ શરમ નથી અને તેમને રાજ્ય વિધાનસભા પ્રત્યે કોઈ માન નથી. હવે હું જોવા માગુ છું કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર કેવી પ્રતિક્રિયા આપશે. મને ઉત્સુકતા છે કે તેઓ શું કરશે. કર્ણાટક વિધાનસભામાં, જ્યારે કેટલાક સભ્યો તેમના સેલફોન જોતા જોવા મળ્યા, ત્યારે તેમને ઘરે બેસાડી દેવામાં આવ્યા.”
વિધાનપરિષદમાં મિનિસ્ટર સાહેબ મોબાઇલ પર રમી રહ્યા હતા રમી?
રાજ્યના ઍગ્રિકલ્ચર મિનિસ્ટર માણિકરાવ કોકાટેનો વિડિયો વાઇરલ થતાં રાજ્યના રાજકારણમાં ગરમાટો
રાજ્યના ઍગ્રિકલ્ચર મિનિસ્ટર માણિકરાવ કોકાટે વિધાનસભાના મૉન્સૂન સત્રમાં મોબાઇલ પર પત્તાંની ગેમ સૉલિટેર રમતા હોવાનો વિડિયો નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના વિધાનસભ્ય રોહિત પવારે સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે વાઇરલ થઈ ગયો હતો. એ વિડિયો બહાર આવ્યા બાદ વિરોધ પક્ષે માણિકરાવ કોકાટેને આડે હાથ લઈને તેઓ હાઉસમાં ગેમ રમી રહ્યા હોવાનો હોબાળો મચાવ્યો છે. જોકે સામે પક્ષે માણિકરાવે પોતાનો લૂલો-પાંગળો બચાવ કરતાં કહ્યું છે કે તેઓ યુ ટ્યુબ ખોલી રહ્યા હતા ત્યારે એ ગેમની ઍડ આવી હતી.
સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મોબાઇલ પર પત્તાંની ગેમ રમતા માણિકરાવ કોકાટે.
રોહિત પવારે આ વિડિયો અપલોડ કરીને જંગલી રમી ગેમની જાહેરાત કરતા અનુ કપૂરના શબ્દોનો ઉપયોગ કરીને કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘જંગલી રમી પે આઓના મહારાજ. સત્તામાં રહેલું NCP જૂથ BJPને પૂછ્યા સિવાય કંઈ પણ કરી શકતું નથી, એટલે જ ખેતીને લગતા અસંખ્ય સવાલ પેન્ડિંગ છે. રાજ્યમાં રોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમ છતાં તેમના હાથમાં કંઈ કામ ન રહેતું હોવાથી કૃષિપ્રધાન માણિકરાવ કોકાટેને મોબાઇલ પર રમી રમવાનો સમય આવ્યો હશે. રસ્તો ભૂલેલાં આ પ્રધાન અને સરકારને પાકવીમો-કર્જમાફી-ભાવાંતરની માગણી કરનારા ખેડૂતોના ‘કભી ગરીબ કિસાનોં કી ખેતી પે ભી આઓના મહારાજ’ની ચીખ સંભળાશે કે? ક્યારેક ખેતી પર આવો મહારાજ. રમત રોકો, કર્જમાફી આપો.’
યુટ્યુબ પર જાહેરાત આવી અને મેં એ સ્ક્પિ કરી : માણિકરાવ કોકાટે
વિડિયો વાઇરલ થતાં અને વિરોધ પક્ષે આક્ષેપો કરતાં માણિકરાવે પોતાનો લૂલો બચાવ કરતાં મીડિયાના પ્રતિનિધિઓને કહ્યું હતું કે ‘હું વિધાન પરિષદમાં કામકાજ માટે બેઠો હતો. એ વખતે થોડીક વાર માટે કામકાજ બંધ રહ્યું હતું. એથી એ વખતે નીચે વિધાનસભામાં શું કામકાજ ચાલી રહ્યું છે એ જોવા માટે હું યુટ્યુબ પર ગયો હતો. યુટ્યુબ પર વિડિયો ચાલુ કરીએ એ પછી જાહેરાતો આવતી હોય છે. એ વખતે પણ એવી જ જાહેરાત આવી હતી. હું જાહેરાત સ્ક્પિ કરીને આગળ વધ્યો હતો, પણ વિડિયો લેનારે ફક્ત ૧૮ સેકન્ડનો જ વિડિયો વાઇરલ કર્યો. વિરોધ પક્ષ મારા પર અવારનવાર ટીકા કરતો હોય છે; પણ મારી પૉલિસીઓ પર, મારા કામ પર કે પછી ખેડૂતો માટે કરેલી ઉપાય-યોજનાઓ પર એ ક્યારેય બોલતો નથી. મારું કામ પારદર્શી છે. મારો સ્વભાવ સ્પષ્ટ છે. વિધાન પરિષદના સભાગૃહમાં ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા છે. એથી ત્યાં અનુચિત ન કરવું એની મને જાણ છે, તો શું હું રમી રમું કે? વિડિયો લીધો એ સામે મારો આક્ષેપ નથી, પણ વિડિયોના માધ્યમથી મને ટાર્ગેટ કરવામાં આવે છે. રોહિત પવારે કૃષિ ક્ષેત્ર માટે શું કામ કર્યું છે?’
એક બાજુ ઑનલાઇન ગેમ પર બૅન મૂકવાની માગણી અને બીજી બાજુ મિનિસ્ટર જ ગેમ રમે છે : સુપ્રિયા સુળે
NCP (SP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની વિધાનસભામાં જ્યારે ડિબેટ ચાલી રહી હતી ત્યારે રાજ્યના કૃષિપ્રધાન મોબાઇલ પર ઑનલાઇન રમી રહ્યા હતા. આ બહુ ચિંતાની બાબત છે. એક તરફ ઑનલાઇન ગેમિંગને કારણે અનેક ઘર બરબાદ થઈ રહ્યાં છે. એના પર બૅન મૂકવાની ચર્ચા સમગ્ર સમાજમાં થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના પ્રધાન જ્યારે ઍસેમ્બલીનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે ઍસેમ્બલીમાં બેસીને મોબાઇલ પર રમી રમવા માંડે અને એ પણ એવા સમયે જ્યારે રાજ્યમાં જાન્યુઆરી ૨૦૨૫થી લઈને માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યના ૭૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ બાબતનું ખંડન થવું જોઈએ. તેમણે આ જે ગંદી હરકત કરી છે એ માટે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. નહીં તો મુખ્ય પ્રધાને તેમને હાંકી કાઢવા જોઈએ.’