ઍરપાર્ટથી સીધાં વોટ આપવા ગયાં અને પછી ઘરે ગયાં

21 November, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીનાં ૬૨ વર્ષનાં શશિકલા ગાલા મતદાન કરવા અમેરિકાથી એક મહિના વહેલાં આવી ગયાં

શશિકલા ગાલા

ડોમ્બિવલીના ૬૨ વર્ષનાં શશિકલા ગાલા મતદાનની ફરજ બજાવવા માટે અમેરિકાથી એક મહિના વહેલાં પાછાં આવી ગયાં હતાં. આ બાબતની માહિતી આપતાં ‌શશિકલાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી એક દીકરી ઑસ્ટ્રેલિયામાં અને એક દીકરી અમેરિકામાં ન્યુ જર્સીમાં રહે છે. હું ઑસ્ટ્રેલિયા એક-બે વાર જઈ આવી છું પણ અમેરિકાવાળી દીકરીને ત્યાં ક્યારેય રોકાવા ગઈ નહોતી. આથી જૂન મહિનામાં છ મહિનાના ટૂરિસ્ટ વિઝા લઈને હું અમેરિકા ગઈ હતી. ગયા મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. હું હંમેશાં મતદાન કરતી આવી છું એટલે મને ગઈ કાલની ચૂંટણીમાં પણ મતદાન કરવાની બહુ જ ઇચ્છા હતી. આ વાત મેં મારી દીકરીને જણાવીને કહ્યું હતું કે હું ડિસેમ્બર સુધી રહું કે નવેમ્બર સુધી, તને કોઈ ફરક પડશે નહીં. જો અત્યારે ચૂંટણીના સમયે જઈશ તો મને મતદાન કરવાનો અવસર મળશે. મારી દીકરીએ મને તરત જ હા પાડી દીધી હતી જેથી હું મારો એક મહિનાનો પ્રોગ્રામ ટૂંકાવીને ગઈ કાલે બપોરે અમેરિકાથી આવીને સીધી મતદાન-મથકે મતદાન કરવા પહોંચી ગઈ હતી.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections dombivli gujaratis of mumbai