24 November, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર
ગઈ કાલે મોડી રાતે રાજ્યની તમામ ૨૮૮ બેઠક પરનાં પરિણામ જાહેર થઈ ગયાં હતાં. એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ૧૩૨, શિવસેનાને ૫૭, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને ૪૧ બેઠક મળતાં મહાયુતિએ અભૂતપૂર્વ ૨૩૦ બેઠક પર જીત હાંસલ કરી હતી. આની સામે મહા વિકાસ આઘાડીમાંથી કૉન્ગ્રેસને ફાળે ૧૬, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને ૨૦ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ને ૧૦ બેઠક આવી હતી. આ રીતે મહાયુતિની ૨૩૦ બેઠકની સામે મહા વિકાસ આઘાડીને માત્ર ૪૬ બેઠક જ હાથ લાગી હતી. આ સિવાય ૧૨ બેઠકોમાં બે સમાજવાદી પાર્ટી અને બાકીની દસ સીટ નાની પાર્ટીઓ અને અપક્ષને મળી હતી. આ બાર બેઠકોમાંથી છ વિધાનસભ્ય મહાયુતિની સાથે છે, જ્યારે ત્રણ વિધાનસભ્યો મહા વિકાસ આઘાડીની સાથે હોવાથી મહાયુતિનો આંકડો ૨૩૬ અને મહા વિકાસ આઘાડીનો ૪૯ થઈ જાય છે.
શરૂઆતના એક કલાક દરમ્યાન બન્ને યુતિ વચ્ચે ફાઇટ હોવાના ટ્રેન્ડ આવ્યા બાદ મહાયુતિએ એવી લીડ લઈ લીધી હતી જે જેમ-જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ-તેમ વધુને વધુ સ્ટ્રૉન્ગ બની હતી.