24 November, 2024 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને કોઈ પણ શરત વગર ટેકો આપનારી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને ખાસ કરીને મુંબઈ, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR), પુણે અને નાશિકમાં જોર લગાવ્યું હતું એટલું જ નહીં, ચૂંટણી પહેલાં જ તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી સરકાર BJPની હશે અને અમારી પાર્ટી આ સરકારમાં સામેલ હશે. જોકે ગઈ કાલનાં પરિણામોએ MNSની તો જાણે બોલતી જ બંધ કરી દીધી છે. તેમની પાર્ટી એક પણ બેઠક જીતવામાં સફળ નથી રહી. રાજ ઠાકરે તેમના પુત્ર અમિત ઠાકરેને માહિમ બેઠક પરથી પણ જિતાડી નથી શક્યા. આ બેઠક પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મહેશ સાવંતનો એકનાથ શિંદેની શિવસેનાના સદા સરવણકર સામે માત્ર ૧૩૧૬ મતથી વિજય થયો છે. આ સિવાય રાજ ઠાકરેની પાર્ટીને શિવડી બેઠક જીતવાની તક દેખાતી હતી. ત્યાંથી તેમણે બાળા નાંદગાંવકરને ઉમેદવારી આપી હતી અને મહાયુતિએ તેમને આ બેઠક પર ઉમેદવાર નહીં આપીને સમર્થન પણ આપ્યું હતું, પરંતુ અહીંથી પણ ઉદ્ધવ ઠાકરેની સેનાના ઉમેદવાર અજય ચૌધરીની જીત થઈ હતી. આ સિવાય MNSનો એકમાત્ર વિધાનસભ્ય જે કલ્યાણ ગ્રામીણ બેઠક પર છે એ બેઠક પર પણ રાજુ પાટીલે હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ફરી એક વાર MNSનો રકાસ થયો છે.