ઈલૉન મસ્કની કંપની સાથે પાર્ટનરશિપ કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય

06 November, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈલૉન મસ્કની સ્ટારલિન્ક ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી (ICT) સેક્ટરમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ અને સ્ટારલિન્ક બિઝનેસ ઑપરેશન્સનાં વાઇસ પ્રેસિડન્ટ લૉરેન ડ્રાયરે લેટર ઑફ ઇન્ટેન્ટ સાઇન કર્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે ઈલૉન મસ્કની સૅટેલાઇટ કમ્યુનિકેશન કંપની સ્ટારલિન્ક સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ થનારું આ નવું વેન્ચર સ્ટારલિન્ક સાથે મળીને સૅટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ-સર્વિસ પૂરી પાડશે. અમેરિકાની સ્ટારલિન્ક કંપની સાથે સત્તાવાર રીતે પાર્ટનરશિપ કરનારું મહારાષ્ટ્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

સ્ટારલિન્ક સૅટેલાઇટ કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ગઈ કાલે લેટર ઑફ ઇન્ટેન્ટ (LoI) પર સાઇન કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પાર્ટનરશિપને મહારાષ્ટ્ર માટે ગૌરવની બાબત ગણાવતાં કહ્યું હતું કે આ પાર્ટનરશિપથી મહારાષ્ટ્રમાં ગડચિરોલી, નંદુરબાર, વાશિમ અને ધારાશિવ જેવા અંતરિયાળ પ્રદેશો અને વિકાસશીલ જિલ્લાઓમાં સરકારી સંસ્થાઓ, ગ્રામીણ લોકો અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૅટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ-સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ઈલૉન મસ્કની સ્ટારલિન્ક ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી (ICT) સેક્ટરમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં કમ્યુનિકેશન સૅટેલાઇટ્સ આ કંપનીના છે.

mumbai news mumbai maharashtra government devendra fadnavis elon musk