મહિલા અનામત બિલનો વિરોધ કરનાર વિપક્ષ સામે BJPનો જન આક્રોશ

22 April, 2026 07:39 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

આ તો માત્ર શરૂઆત છે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહિલાઓને તેમનો હક નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

વરલીના ઐતિહાસિક જાંબોરી મેદાનથી વરલી ડોમ સુધીની વિરોધ રૅલી અને NSCI ડોમ ઑડિટોરિયમમાં BJPના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત. તસવીરો : સૈયદ સમીર અબેદી

મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે સાંજે મહિલા અનામત બિલને સમર્થન ન આપવા બદલ વિપક્ષનો વિરોધ કરવા માટે ‘મહિલા શક્તિ જન આક્રોશ મોરચા’નું આયોજન કર્યું હતું. આ કૂચ વરલીના જાંબોરી મેદાનથી શરૂ થઈ હતી અને NSCIનો ડોમ ઑડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી જેમાં BJPના વરિષ્ઠ નેતાઓ, પ્રધાનો, રાજ્ય અને મુંબઈ એકમના વડાઓ, BMCનાં મેયર, કૉર્પોરેટરો અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરોએ ભાગ લીધો હતો.

મહિલા અનામત બિલને હરાવવા બદલ વિપક્ષ સામેની રૅલીને સંબોધતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપી હતી કે આ તો માત્ર શરૂઆત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને લોકસભાઓમાં અને વિધાનસભાઓમાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

વરલીના NSCI ડોમ ખાતે ‘જન આક્રોશ મોરચા’ના સમાપન પ્રસંગે બોલતાં મુખ્ય પ્રધાને કહ્યું કે વિપક્ષે ‘લાડકી બહિણ’ જેવી યોજનાઓનો પ્રભાવ પહેલેથી જ જોઈ લીધો છે જેનાથી તેઓ એટલી હદે નબળા પડી ગયા છે કે તેઓ મહારાષ્ટ્રમાં વિપક્ષનાં નેતાપદ પણ મેળવી શક્યા નથી અને તેમના પર હવે મહિલાઓનાં હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લાગ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સિગ્નેચર-કૅમ્પેન ચલાવીને બિલના સમર્થનમાં એક કરોડ મહિલાઓની સહી લેવામાં આવશે એ વાતનો પુનરુચ્ચાર કરી વિપક્ષને પણ આ બાબતે ચર્ચા કરવાનો ફરી એક વાર ખુલ્લો પડકાર ફેંક્યો હતો.   

વિપક્ષ પર બેવડાં ધોરણોનો આરોપ 

દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષે ૨૦૨૩માં મહિલા અનામત બિલને ટેકો આપ્યો હતો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સામે તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો, પરંતુ હવે તેઓ એનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે પક્ષ પાસે સંખ્યાબળનો અભાવ છે. એ પછી ઉમેર્યું હતું કે વિપક્ષનો વાસ્તવિક ચહેરો સામે આવી ગયો છે.

mumbai news mumbai bhartiya janta party bjp bharatiya janata party political news maharashtra political crisis sanjeev shivadekar devendra fadnavis