23 August, 2025 11:17 AM IST | Mumbai | Sanjeev Shivadekar
વાકોલા ફ્લાયઓવર પરના ખાડા (તસવીર : નિમેશ દવે)
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીને કહેવું પડ્યું છે કે મુંબઈના બધા રસ્તા પરના ખાડા વહેલી તકે ભરવામાં આવે, ભલે પછી એ BMCના ન હોય.
એક સરકારી અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે ફડણવીસે ભૂષણ ગગરાણી સાથે વાતચીત કરીને મુંબઈના રસ્તાઓની પરિસ્થિતિ જાણી હતી અને વહેલી તકે ખાડા ભરવા જણાવ્યું હતું.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં અંદાજે ૮૦૦૦ જેટલા ખાડાની ફરિયાદો મળી હતી. એમાંના બધા ખાડા મુંબઈના હતા એવું નહોતું અને ઘણી ફરિયાદો રિપીટ હતી. એવી પણ ફરિયાદ હતી કે એ રોડ અન્ય એજન્સીઓ દ્વારા મેઇન્ટેઇન કરવામાં આવે છે. જોકે BMCના કમિશનરે એ રોડ બીજી એજન્સીઓએ બનાવ્યો હોય તોય એ જવાબદારી તેમના પર ઢોળવાને બદલે BMCના ઑફિસરોને જ એ ખાડા ભરવાનો આદેશ આપ્યો છે.
૨૦૨૨માં મહાયુતિની સરકાર આવી ત્યારે એણે મહત્ત્વાકાંક્ષી જાહેરાત કરી હતી કે અમે મુંબઈના બધા રોડ ખાડામુક્ત કરવા કૉન્ક્રીટના બનાવીશું. મુંબઈના ૨૦૦૦ કિલોમીટર લાંબા રોડ-નેટવર્કમાંથી ૧૨૫૦ કિલોમીટરના રોડ કૉન્ક્રીટના બનાવી દીધા છે. જોકે એમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મૉન્સૂનમાં ખાડાની ફરિયાદો આવી રહી છે. ખાડાને કારણે ટ્રાફિક જૅમ થાય છે, વાહનોને પણ નુકસાન થાય છે અને મોટરિસ્ટોને પણ હેરાનગતિ થાય છે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘BMCએ જૂનમાં પૉટહોલ ક્વિકફિક્સ મોબાઇલ-ઍપ લૉન્ચ કરી હતી જેથી લોકો એના પર ખાડાની માહિતી આપી શકે. આ ઍપ પરની ફરિયાદો ૨૨૭ એન્જિનિયરોએ મૉનિટર કરી એના પર ઍક્શન લેવાના હતા અને રોજ તેમના વિસ્તારના રોડનું મૉનિટરિંગ પણ કરવાનું હતું. ૨૦૨૪માં ૨૫૬૩૨ મેટ્રિક ટન જેટલો માસ્ટિક આસ્ફાલ્ટ ખાડા પૂરવા અને પ્રી-મૉન્સૂવ રિપેર માટે વપરાયો હતો. આ વર્ષે કદાચ એની ઓછી જરૂર પડે.
ગણેશોત્સવ પહેલાં રસ્તા ખાડામુક્ત કરવામાં આવશે
મુંબઈના બન્ને પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને આશિષ શેલારે ખાતરી આપતાં કહ્યું હતું કે ૨૭ ઑગસ્ટ પહેલાં મુંબઈને ખાડામુક્ત કરવામાં આવશે. આશિષ શેલારે કહ્યું હતું કે કૉન્ટ્રૅક્ટરોને ઇન્સ્ટ્રક્શન અપાઈ છે કે મૅસ્ટિક ટેક્નૉલૉજી વાપરો અને ત્રણ જ દિવસમાં બધા ખાડા પૂરો. હાઇવે, મેઇન રોડ અને અંદરના રોડ એમ બધા ખાડા ત્રણ દિવસમાં રિપેર કરો અને ભરો. મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે BMCના કર્મચારીઓએ તેમનું કામ શરૂ કરી દીધું છે.